વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સેન્સેક્સ 1456 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ ઘરેલુ શેરબજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી50 અને સેન્સેક્સ બંને ઇન્ડેક્સ દબાણ હેઠળ રહ્યા હતા અને નરમ બંધ આવ્યા હતા. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીથી રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર પહોંચી છે. BSE સેન્સેક્સ 1456 પોઇન્ટ તૂટીને 74,559ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી  50 પણ 444.50 પોઇન્ટ ઘટીને 23,370.20ના સ્તરે બંધ થયો હતો.

 બે દિવસથી બજારમાં નબળાઈનો માહોલ

શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. રોકાણકારો જોખમ લેવા કરતાં બચતા જોવા મળ્યા, જેની સીધી અસર મુખ્ય ઇન્ડેક્સ પર જોવા મળી હતી.

 પીએમના નિવેદન અને વૈશ્વિક તણાવથી ચિંતા વધી

બજાર પર દબાણ ત્યારે વધુ વધ્યું જ્યારે વડા પ્રધાન મોદીએ ઊર્જા વપરાશ ઘટાડવા, વિદેશ પ્રવાસ ઓછા કરવા અને સોનાની ખરીદીમાં સંયમ રાખવાની અપીલ કરી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે અર્થતંત્ર પર ગંભીર અસર થવાની આશંકા વધુ મજબૂત બની ગઈ.

વૈશ્વિક સ્તરે પણ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે.

અમેરિકા-ઈરાન તણાવથી રોકાણ માહોલ વધુ ખરાબ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેનો એક મહિના જૂનો યુદ્ધવિરામ ગંભીર જોખમમાં છે. તેમના જણાવ્યાનુસાર ઈરાન તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવ સ્વીકાર્ય નથી. અહેવાલો મુજબ હાલની પરિસ્થિતિમાં યુદ્ધવિરામ ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં જોખમથી દૂર રહેવાની વૃત્તિ વધુ વધી ગઈ, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી.ક્રૂડની કિંમતોમાં ઉછાળો

બ્રેન્ટ ક્રૂડના મે કરારમાં 2.53 ટકાનો ઉછાળો નોંધાયો અને તે વધીને પ્રતિ બેરલ 106.85 ડોલર સુધી પહોંચી ગયું. આ તેજી ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર જોવા મળી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાયમાં અવરોધની આશંકા યથાવત્ છે, જેને કારણે કાચા તેલની કિંમતો વધુ વધી શકે છે. પરિણામે મોંઘવારી અને આયાત ખર્ચ પર દબાણ વધવાની શક્યતા છે.

માર્કેટ કેપમાં 12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

દિવસ પૂર્ણ થતાં સુધી રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો હતો. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આશરે 12 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું. એટલે કે માત્ર એક જ દિવસે રોકાણકારોની એટલી મોટી સંપત્તિ સાફ થઈ ગઈ છે. BSE પર કુલ 4410 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 869 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3412 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 129 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 93 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 45 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 12 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 11 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.