બજેટ હરિયાણાનું, નજર પંજાબ વિધાનસભા ચૂંટણી પર

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે વિધાનસભામાં નાણાં મંત્રી તરીકે પોતાના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું હતું. બજેટના મુદ્દાઓ ઉપરાંત કેટલાંક દૃશ્યો અને શબ્દોએ રાજકીય ચર્ચાને તેજ કરી છે. સૌપ્રથમ મુખ્ય મંત્રી નાયબ સૈની કેસરી રંગની પાઘડી પહેરીને બજેટ રજૂ કરવા પહોંચ્યા. બીજું, તેમણે પોતાના બજેટ ભાષણની શરૂઆત ગુરુ નાનક દેવજીના સિદ્ધાંત — ‘કિરત કર, નામ જપ, વંડ છક’ થી કરી. તેનો અર્થ થાય છે કે ઈમાનદારીથી મહેનત કરવી (કિરત), ભગવાનનું સ્મરણ કરવું (નામ) અને પોતાની કમાણી વહેંચીને ખાવું (વંડ).

 કોઈ કસર છોડવા માગતો નથી ભાજપ

આ સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને નાયબ સિંહ સૈની આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ચૂંટણી મોડમાં આવી ગયા છે. તેઓ પંજાબી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કોઈ કસર છોડવા માગતા નથી. જોકે સૈની માટે પાઘડી પહેરીને કાર્યક્રમોમાં ભાગ લેવો નવો મુદ્દો નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમણે પંજાબમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં વધતી હાજરી નોંધાવી છે, જેના પરથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે.

પ્રથમ, ભાજપ પંજાબ ચૂંટણી માટે સૈનીને આગળ રાખીને શીખ અને અન્ય પછાત વર્ગના મતદારોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બીજું, તેમની નજર એવા લોકો પર પણ છે જે પંજાબના મતદારો નથી, પરંતુ ત્યાં મોટી સંખ્યામાં કામ કરે છે. તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે.

 અન્ય રાજ્યોની ચૂંટણી પર પણ નજર

પંજાબ સાથે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ચૂંટણી યોજાવાની છે. ભાજપ બિનપંજાબી સમુદાયોની રેલીઓ કરીને પંજાબ ઉપરાંત આ બંને રાજ્યો માટે પણ રાજકીય માહોલ તૈયાર કરી રહી છે. હરિયાણાના સાત જિલ્લાઓની સરહદ પંજાબ સાથે જોડાયેલી હોવાથી બંને રાજ્યોમાં ખોરાક, સંસ્કૃતિ અને જીવનશૈલીમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. હરિયાણામાં સફળતા મળ્યા બાદ ભાજપ હવે પંજાબના સરહદી વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.