|
ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા
|
પુરુષ અને સ્ત્રીને ભગવાને જુદી જુદી રીતે ઘડયા છે. બંનેને પોતાની ખામીઓ પણ છે અને ખૂબીઓ પણ છે. અને આ
કારણથી બંને એકબીજા વગર અધૂરા ગણાય છે. પુરુષ મકાન બનાવે છે પણ એ ગાર-માટીના કે સિમેન્ટ કોંક્રીટના મકાનને ઘર તો ગૃહિણી જ બનાવે છે.
પુરુષ એ કુટુંબનું છત્ર છે અને એની જરૂરિયાતો સંતોષવાનું કામ કરવા માટે એણે અર્થઉપાર્જનની પ્રવૃત્તિ કરવી પડે છે જે સારો એવો સમય માંગી લે. સ્ત્રી પોતાનો સંસાર સંભાળે, ગૃહસ્થ તરીકેની ફરજો અદા કરે, પોતાના બાળકોને ઉછેરે, પતિ ક્યારેક નિરાશામાં હોય ત્યારે એને સધિયારો આપે, પણ નવરાશના સમયે તો આજુબાજુની પાડોશણો કે સખીસહેલી સાથે વાતોમાં પરોવાઈને મન હળવું કરે.
સ્વાભાવિક છે આમાં કોઈની ટીકા પણ આવે અને કોઈનું ઘસાતું પણ બોલાઈ જાય. ક્યારેક આ રીતે વહેતી થયેલી વાત જે ચાણક્ય નીતિ અનુસાર છ અથવા વધારે કાને પડે એ ખાનગી રહે નહીં અને એમાંથી કોઈકનું ઘર ભાંગે, કોઈકનો સંસાર ઉજડી જાય, આ પરિસ્થિતી એ જમાનાની હશે જ્યારે બહેનો પાસે ખૂબ સમય રહેતો. આજે સમય અને સંયોગો બદલાયા છે એટલે હવે પોળોમાં જામતી ઓટલા પરિષદો પણ ધીરે ધીરે નામશેષ થઈ રહી છે.

હજુય મધ્યમ વર્ગની સોસાયટીઓમાં આ ઓટલા પરિષદો જુદી રીતે ચાલે છે. વધુ સુધરેલો સમાજ કીટી પાર્ટી તરફ વળ્યો છે. એટલે અંગ્રેજીમાં જેને ગોસીપ કહે છે એના કદાચ માધ્યમો બદલાયા હશે પણ એ માટેની તકો તો હજુ પણ જીવંત છે. આ સંદર્ભમાં એક જમાનામાં પડેલી આ કહેવત ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




