TMCના કોંગ્રેસમાં વિલય માટે બેનરજીએ રાહુલ ગાંધી સમક્ષ મૂકી શરત

નવી દિલ્હીઃ TMCના કોંગ્રેસમાં વિલય અંગેની ચર્ચાઓ હવે આગળ વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી તરફથી મળેલા પ્રસ્તાવ પર મમતા બેનર્જી સકારાત્મક છે, પરંતુ તેમણે અભિષેક બેનર્જી મારફતે રાહુલ ગાંધી સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે. અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરી હતી. TMCના નેતાએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ માગ કરી કે મમતા બેનર્જીને રાજ્યસભામાં મોકલવામાં આવે. એટલું જ નહીં, તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition)નું પદ પણ આપવામાં આવે. જોકે કોંગ્રેસ તરફથી આ અંગે શું પ્રતિસાદ આપવામાં આવ્યો છે તે હજુ સુધી જાહેર થયું નથી.

સોનિયા ગાંધીએ જાતે આપ્યો હતો પ્રસ્તાવ

સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ફોન કરીને TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. તેના બદલામાં મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવાની વાત કરવામાં આવી હતી. એ ઉપરાંત તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ પક્ષના મહાસચિવનું પદ આપવાની ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.

મમતાએ નિર્ણય માટે માગ્યો સમય

કોંગ્રેસ સંસદીય દળનાં નેતા સોનિયા ગાંધીએ મમતાને જણાવ્યું હતું કે TMC પર ભાજપના વધી રહેલા રાજકીય દબાણને ધ્યાનમાં રાખીને પક્ષનું કોંગ્રેસમાં વિલય કરવું યોગ્ય રહેશે. અન્યથા, ભાજપ તેમની સાથે પણ આમ આદમી પાર્ટી જેવી રાજકીય કાર્યવાહી કરી શકે છે. એ ઉપરાંત TMCની અંદર પણ અભિષેક બેનર્જી સામે કેટલાક નેતાઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા હોવાથી પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માગ્યો છે.

રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે દોઢ કલાક બેઠક

TMCના કોંગ્રેસમાં વિલયની અટકળોને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે TMCપ્રમુખ મમતા બેનરજીએ 8 અને 9 જૂને સતત બે દિવસ સોનિયા ગાંધી સાથે તેમના 10 જનપથ નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને બંનેએ એકબીજાને ગળે પણ મળ્યા હતા.