ગાંધીનગર: ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો તરફથી વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે. CMએ વડાપ્રધાનને પત્ર લખીને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
વિકાસની સ્પીડ અને સ્કેલ જોઇને જન-જન બોલ્યા ‘મોદી હૈ તો મુમકીન હૈ’
મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું કે, વડાપ્રધાનનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલાંઓ થકી ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાનએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ નો કાર્યમંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઇને આજે દેશમાં જન-જન બોલી રહ્યાં છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. વડાપ્રધાનના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જન-જન સુધી પહોંચાડવામાં આવી છે. દેશમાં પહેલી વખત ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.
ગુજરાતને મળ્યું ડબલ એન્જિન સરકારનું બળ
મુખ્યમંત્રીએ પત્રમાં ગુજરાતને વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વને જે લાભ મળ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાન તરીકેનું દાયિત્વ સંભાળતાની સાથે જ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. વડાપ્રધાનએ ગુજરાતને આ 12 વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક ભેટ આપી છે. વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરી ગેટ મૂકવાની પરવાનગી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વગેરે જેવી ભેટ થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.
લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.
મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે, દેશ આજે જ્યારે ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ સહુ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ સુશાસન માટે વડાપ્રધાનને હાર્દિક અભિનંદન પાઠવ્યા.






