2012 બાદ ચેન્નાઈ-કોલકાતા ફરી આઈપીએલની ફાઈનલમાં

શારજાહઃ સાત ઓવરમાં ઢગલાબંધ (6) વિકેટ ગુમાવવા છતાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈ કાલે આઈપીએલ-2021ની ક્વોલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 3-વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. હવે આવતીકાલે દુબઈમાં રમાનાર ફાઈનલમાં ઓઈન મોર્ગનની KKRનો મુકાબલો મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે.

ગઈ કાલની મેચ નીચા જુમલાવાળી અને ભારે નાટ્યાત્મક ઉતાર-ચડાવવાળી રહી હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 135 રન કર્યા હતા. તેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.5 ઓવરમાં 7 વિકેટે 136 રન કરીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે 6 રન કરવાની જરૂર હતી. રાહુલ ત્રિપાઠીએ અશ્વિને ફેંકેલા ઓવરના પાંચમા બોલે સિક્સર ફટકારીને મેચ પર પડદો પાડી દીધો હતો. જોકે એ પહેલાં કોલકાતાના ચાર બેટ્સમેન ઝીરો પર આઉટ થયા હતા. આમાં કેપ્ટન મોર્ગન પણ સામેલ હતો. અશ્વિન તો હેટ-ટ્રિકને આરે હતો, પણ ત્રિપાઠીએ સિક્સર ફટકારીને રોમાંચનો અંત લાવી દીધો હતો. કોલકાતાની જીત તેના ઓપનર વેંકટેશ ઐયરના 55 રન અને શુભમન ગિલ (46) સાથે એણે પહેલી વિકેટ માટે કરેલી 96 રનની ભાગીદારીને આભારી હતી. 41 બોલના દાવમાં 3 સિક્સર અને 4 બાઉન્ડરી ફટકારનાર ઐયરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. કોલકાતાનો સ્કોર એક સમયે 10 ઓવરમાં 76/0 અને 125/2 હતો. જે ધબડકો થતાં 130/7 થઈ ગયો હતો.

આઈપીએલની ફાઈનલમાં ચેન્નાઈ અને કોલકાતાની આ બીજી વાર ટક્કર થશે. આ પહેલાં 2012ની ફાઈનલમાં તેઓ આમનેસામને થયા હતા. જેમાં ગૌતમ ગંભીરના નેતૃત્ત્વ હેઠળની કોલકાતા ટીમે ધોનીની ચેન્નાઈ ટીમને પરાજય આપ્યો હતો.