મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોવાની શંકા જતાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગના અધિકારીઓએ એને અટકાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, કૃણાલ યુએઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા બાદ મુંબઈ આવી પહોંચ્યો હતો. ત્યારે ડીઆરઆઈના જવાનનોએ એને અટકાવ્યો હતો. કૃણાલ ગઈ 10 નવેમ્બરે દુબઈમાં આઈપીએલ-2020નું વિજેતાપદ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય હતો. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. કૃણાલ આઈપીએલમાં અત્યાર સુધીમાં મુંબઈ ટીમ વતી 71 મેચોમાં રમ્યો છે. 2017ની ફાઈનલમાં એ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.