આવતા વર્ષે સુરક્ષિત ઓલિમ્પિક્સ યોજવા ટોકિયો-જાપાન દૃઢનિશ્ચયી

ટોકિયોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેક હાલ જાપાનની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ અહીં ટોકિયોનાં મહિલા ગવર્નર યુરિકો કોઈકીને મળ્યા હતા. કોઈકીએ કહ્યું કે, આઈઓસીના સંગાથમાં આવતા વર્ષે સુરક્ષિત અને સલામત ઓલિમ્પિક રમતોત્સવ યોજવા જાપાન એકદમ મક્કમ છે. કટોકટીની પરિસ્થિતિને કારણે આવી ગેમ્સ કેવી રીતે યોજી શકાય છે એનું નવું દ્રષ્ટાંત અમે ભાવિ પેઢીઓ માટે મૂકતા જઈશું.

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ મૂળ કાર્યક્રમ મુજબ આ વર્ષની 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાવાની હતી, પરંતુ કોરોના વાઈરસ મહાબીમારી દુનિયાભરમાં ફેલાતાં આ ગેમ્સને 2021ની સાલ સુધી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલિમ્પિક વિલેજ અને ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે જઈ આ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જ થોમસ બેક જાપાન આવ્યા છે. તેઓ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા તથા અન્ય ટોચના જાપાનીઝ અધિકારીઓને પણ મળ્યા હતા. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેને પણ મળ્યા હતા અને એમને ‘ઓલિમ્પિક ઓર્ડર’ એવોર્ડ પ્રદાન કર્યો હતો.