નવી દિલ્હીઃ એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વેપાર કરાર (Interim Trade Agreement) માટેનું માળખું તૈયાર થઈ ગયાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એક વાર ટેરિફનો મોટો નિર્ણય લેવાની તૈયારી શરૂ કરી છે. અમેરિકી સરકારે ભારત સહિત તેના અનેક મોટા વેપારી ભાગીદાર દેશોનાં ઉત્પાદનો પર 10 ટકા અથવા તેનાથી વધુ વધારાનો ટેરિફ (આયાત શૂલ્ક) લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલા પાછળ અમેરિકાનો આરોપ છે કે આ દેશોમાંથી આયાત થતી કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન બળજબરીપૂર્વક કરાવવામાં આવેલી મજૂરી (Forced Labour) દ્વારા થયું હોવાની શક્યતા છે.
અમેરિકી સરકારે શું કહ્યું?
અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) દ્વારા જાહેર કરાયેલી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડા, મેક્સિકો, તાઇવાન, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) અને કેટલાક અન્ય દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાનો આરોપ છે કે આ દેશોએ બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા માલના આયાત પર પ્રતિબંધને યોગ્ય રીતે અમલમાં મૂક્યો નથી. રિપોર્ટ મુજબ, ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લૅન્ડ સહિતના અન્ય ઘણા દેશો પર 12.5 ટકા વધારાનો ટેરિફ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીરે કહ્યું હતું કે અમારા સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર દેશો બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા માલના આયાતને રોકવામાં નિષ્ફળ રહ્યા છે, જે સ્વીકાર્ય નથી. તેને કારણે અમેરિકન કામદારોને વૈશ્વિક બજારમાં અસમાન અને અન્યાયી સ્પર્ધાનો સામનો કરવો પડે છે.

શું છે મામલો?
અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) એ માર્ચ 2026માં સેક્શન 301 હેઠળ 60 અર્થતંત્રો સામે તપાસ શરૂ કરી હતી. આ તપાસોમાં એક બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour) અને બીજી ઔદ્યોગિક અતિરિક્ત ક્ષમતા (Excess Capacity) સંબંધિત હતી. હવે USTRએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરીને ભારત સહિત 54 દેશો પર 12.5 ટકા સુધીનો વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેરિફ મોટા ભાગનાં ઉત્પાદનો પર લાગુ થઈ શકે છે. જોકે ટેક્સટાઇલ ક્ષેત્ર માટે તુલનાત્મક રીતે ઓછો ટેરિફ રાખવાની વાત કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ભારત સહિત ઘણા દેશોના અમેરિકા તરફના નિકાસ વેપાર પર તેની સીધી અસર પડશે.






