ગલવાન અથડામણ પછી સૌપ્રથમ વાર ભારત આવશે રાષ્ટ્રપતિ શી જિનપિંગ

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સપ્ટેમ્બરમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે ભારત આવે એવી શક્યતા છે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટને ચીને સમર્થન આપ્યું હોવાથી શી જિનપિંગના તેમાં હાજરી આપવાની સંભાવના છે. બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. શી જિનપિંગની ભારત મુલાકાત અંગે હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ભારત પહેલેથી જ તેમને સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવી ચૂક્યું છે.

ઐતિહાસિક બની શકે છે જિનપિંગની મુલાકાત

જો શી જિનપિંગ ભારતની મુલાકાત લે છે, તો તે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાશે, કારણ કે ગલવાન અથડામણ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના સૈન્ય તણાવ પછી તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે. જો આ પ્રવાસ આયોજન મુજબ થાય તો ઓક્ટોબર, 2019 પછી તેમની ભારતની આ પ્રથમ મુલાકાત બનશે.

શી જિનપિંગની છેલ્લી ભારત મુલાકાત 11-12 ઓક્ટોબર 2019 દરમિયાન થઈ હતી, જ્યારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક શિખર બેઠક માટે તામિલનાડુના મહાબલિપુરમ આવ્યા હતા. વુહાન સમિટ પછી બંને નેતાઓ વચ્ચે યોજાયેલી આ બીજી અનૌપચારિક બેઠક હતી. ભારત અને ચીનના સંબંધો માત્ર બે દેશો સુધી મર્યાદિત નથી; તેનો પ્રભાવ સમગ્ર એશિયા તેમ જ વૈશ્વિક રાજકારણ પર પડે છે. તેથી જ શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાતને સામાન્ય કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહી નથી.