19 વર્ષ બાદ તસ્લિમા નસરીનનો ‘બંગાળનિકાલ’ ખતમ

કોલકાતાઃ બાંગ્લાદેશી લેખિકા અને સામાજિક કાર્યકર તસ્લિમા નસરીન 19 વર્ષ બાદ શુક્રવારે કોલકાતા પરત ફર્યાં છે. 2007માં તેમનાં વિવાદાસ્પદ પુસ્તક ‘દ્વિખંડિત’ને લઈને થયેલાં વિરોધ પ્રદર્શનોને કારણે તેમને શહેર છોડવું પડ્યું હતું. 2007 પછી તેમની આ પ્રથમ કોલકાતા મુલાકાત છે. તેમની લેખનશૈલીના કડક વિરોધને કારણે તેઓ 1994થી જ પોતાના મૂળ દેશ બાંગ્લાદેશની બહાર રહે છે. 2007માં પશ્ચિમ બંગાળમાં તેમની રચનાઓનો ભારે વિરોધ થયો હતો અને ત્યાં ડાબેરી મોરચા તેમ જ તૃણમૂલ કોંગ્રેસ – બંને સરકારોના કાર્યકાળ દરમિયાન તેમને લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

વિવાદોમાં રહેલાં તસ્લિમા

તસ્લિમા નસરીનની સૌથી પ્રસિદ્ધ નવલકથા લજ્જા 1993માં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકમાં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી બાંગ્લાદેશમાં હિંદુ પરિવારો પર થયેલા અત્યાચારનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નવલકથાથી નારાજ બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠનોએ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પરિણામે 1994માં તેમને બાંગ્લાદેશ છોડીને યુરોપ જવું પડ્યું હતું. પછી તેમની આત્મકથા દ્વિખંડિત પ્રકાશિત થઈ. આ પુસ્તકના કેટલાક અંશો વિશે કટ્ટરપંથીઓએ દાવો કર્યો હતો કે તે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. 18 નવેમ્બર 2003એ સૈયદ હશમત જલાલ દ્વારા નસરીન વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ કોલકાતા હાઈકોર્ટે પુસ્તકના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વવાળી ડાબેરી સરકારે સામ્પ્રદાયિક તણાવ ફેલાવાની આશંકા દર્શાવી પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે પ્રકાશકે આ પ્રતિબંધને પડકાર્યો હતો.

કોલકાતા છોડવું પડ્યું હતું

જોકે તે વર્ષે વિવાદાસ્પદ પાનાંઓ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ નવેમ્બર 2007માં પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ. ઓલ ઈન્ડિયા માઈનોરિટી ફોરમ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનોને કારણે કોલકાતાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને આગજનીની ઘટનાઓ પણ બની હતી. રાજકીય દબાણ અને નસરીન શહેરમાં રહે તો સ્થિતિ વધુ બગડી શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે તેમના પર શહેર છોડવાનું દબાણ કર્યું હતું. CPI(M)ના વરિષ્ઠ નેતા બિમાન બોસ સહિતના નેતાઓએ જાહેરમાં તેમને અન્યત્ર જવા વિનંતી કરી હતી જેથી કોલકાતાની રાજકીય પરિસ્થિતિ શાંત રહી શકે. બાંગ્લાદેશમાં જન્મેલી જાણીતી લેખિકા તસ્લીમા નસરીન છેલ્લા 32 વર્ષથી પોતાના દેશની બહાર જીવન વિતાવી રહી છે. તેઓ કોલકાતાને પોતાનું સાંસ્કૃતિક ઘર માને છે. 1994માં તેમની લેખનશૈલીના વિરોધમાં બાંગ્લાદેશમાં થયેલા પ્રદર્શનોને કારણે તેમને પોતાનો દેશ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.