નવી દિલ્હીઃ ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જંતર-મંતર પહોંચી રહી છે. શુક્રવારે એનસીપી (શરદ પવાર જૂથ)નાં સાંસદ સુપ્રિયા સુળે સોનમ વાંગચુકને મળવા જંતર-મંતર પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે તેઓ સોનમ વાંગચુકને અનશન ખતમ કરવા વિનંતી કરવા આવી છે. તેમણે વધુમાં કહ્યું કે સોનમ વાંગચુક જે લડત લડી રહ્યા છે, તે મુદ્દાઓ સંસદમાં પણ ઉઠાવવામાં આવશે. સોમવારથી શરૂ થનારા સંસદ સત્ર દરમિયાન નીટ (NEE) વિદ્યાર્થીઓની ચિંતાઓ સહિત આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ભૂતપૂર્વ કાયદા મંત્રી અશ્વિનીકુમાર પણ જંતર-મંતર પહોંચ્યા
શુક્રવારે ભૂતપૂર્વ કાયદા મંત્રી અશ્વિનીકુમાર પણ જંતર-મંતર પહોંચ્યા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અંતરાત્માની અવાજ પર અસહમતી વ્યક્ત કરનારા લોકોના જીવનનું મહત્વ સમજવું જોઈએ અને તેની સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. સોનમ વાંગચુકની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ એવા જનહિતના મુદ્દાઓ માટે લડી રહ્યા છે, જે તેમના હૃદયની ખૂબ નજીક છે. તેમણે ઉમેર્યું છે કે આ અમારી પરંપરા રહી છે અને અનેક પ્રસંગોએ રાજકીય નેતૃત્વે આગળ આવીને એ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીયોના કીમતી જીવ જોખમમાં ન પડે.
હાલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે?
શુક્રવારે સોનમ વાંગચુકની અનિશ્ચિતકાળની ભૂખ હડતાળનો 20મો દિવસ હતો. આ દરમિયાન ડોક્ટરોએ ચેતવણી આપી છે કે લાંબા સમયથી ચાલી રહેલો તેમનો ઉપવાસ હવે ગંભીર તબક્કે પહોંચી ગયો છે. ગયા 24 કલાકમાં વાંગચુકનું વજન વધુ 350 ગ્રામ ઘટ્યું છે, જેને કારણે કુલ મળીને તેમનું વજન લગભગ 9.5 કિલોગ્રામ ઓછું થઈ ગયું છે.
Delhi: NCP (SP) MP Supriya Sule arrived at Jantar Mantar to meet activist Sonam Wangchuk, who has been on an indefinite hunger strike pic.twitter.com/VFJLAd9YIV
— IANS (@ians_india) July 17, 2026
જોકે સોનમ વાંગચુકની તબિયત સતત બગડી રહી છે, તેમ છતાં તેમનો આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત છે. તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ પરિસ્થિતિમાં 20 જુલાઈ સુધી જીવતો રહીશ. જો તમે નહીં આવો અને 20 જુલાઈનું પ્રદર્શન સફળ નહીં થાય, તો હું ભૂત બનીને પાછો આવીશ.






