કેટલાંક ઘર માત્ર ઈંટ-સિમેન્ટ-માર્બલનાં નથી હોતાં, પણ એની દીવાલોમાં દંતકથાઓ શ્વાસ લેતી હોય
છે, સ્મૃતિઓ પડઘા પાડતી હોય છે. ક્યારેક અફવાઓ પણ સરનામું બનાવી લેતી હોય છે. બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું મુંબઈનું ઐતિહાસિક નિવાસસ્થાન ‘આશીર્વાદ’ પણ દંતકથાનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા કે બૉમ્બે હાઈ કોર્ટે ‘આશીર્વાદ’ને ભૂતિયો, શાપિત કે અશુભ તરીકે વર્ણવવા પર રોક લગાવી. બંગલોના હાલના માલિક ઉદ્યોગપતિ શશી કિરણ શેટ્ટીએ મૂળ નિવાસસ્થાન તોડીને ચાર માળનું અપાર્ટમેન્ટ ઊભું કર્યું છે. થોડા સમય પહેલાં તેમણે કોર્ટમાં રજૂઆત કરી કે અમુક મિડિયાવાળા ‘આશીર્વાદ’ વિશે નકરી ગેરમાહિતી ફેલાવે છે. અમુક યુટ્યુબ વિડિયોમાં એવું કહેવામાં આવે છે કે ‘આશીર્વાદે’ ત્રણ સુપરસ્ટારની કારકિર્દીનો અંત આણ્યો હતો.

રિઆલિટી શું છે?
1950ના દાયકામાં અભિનેતા ભારત ભૂષણે આ બંગલો ખરીદેલો. કમનસીબે, ફિલ્મનિર્માણમાં નુકસાન જતાં એમણે આ પ્રોપર્ટી વેચવી પડી હતી. લગભગ 1958માં રાજેન્દ્રકુમારે બંગલો ખરીદવામાં રસ બતાવ્યો. એ હજુ સંઘર્ષ કરી રહ્યા હતા, પણ બંગલો એમને ગમી ગયેલો. એમણે 10,000 રૂપિયા ટોકન આપી દીધા, પણ બાકીના પંચાવન હજાર એમની પાસે નહોતા. એ નિર્માતા-દિગ્દર્શક બી. આર. ચોપરા પાસે ગયા. ચોપરાએ એમને બે ફિલ્મ માટે સાઈન કર્યાઃ ‘ધૂલ કા ફૂલ’ અને ‘કાનૂન.’ આ માટે ફી નક્કી થઈ પોણાબે લાખ રૂપિયા. ચોપરા સાહેબે પચાસ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા. પૈસા આવતાં જ રાજેન્દ્રકુમારે ભારત ભૂષણને પેમેન્ટ કરી બંગલો ખરીદી લીધો.

જો કે પ્રવેશ કરતાં પહેલાં રાજેન્દ્રકુમારે અભિનેતા મનોજકુમારની સલાહ માનીને હોમ-હવન-વાસ્તુપૂજા કરાવ્યાં. બંગલાનું નામ એમણે પોતાની પુત્રીના નામ પરથી ‘ડિમ્પલ’ રાખ્યું. બંગલો એમને માટે શુકનિયાળ શાબિત થયો. એક પછી ફિલ્મો સિલ્વર જ્યુબિલી થવા માંડી, એમને જ્યુબિલી કુમારનું બિરુદ મળ્યું, નજીકમાં બીજી પ્રોપર્ટી પણ ખરીદી, એનું નામ પણ ‘ડિમ્પલ’ જ રાખ્યું. બે-બે પ્રોપર્ટી મેનેજ કરવામાં પ્રોબ્લેમ થતો એટલે એમણે ‘ડિમ્પલ’ વેચવાનો નિર્ણય લીધો.

1969માં રાજેશ ખન્નાએ ‘ડિમ્પલ’ સાડાત્રણ લાખ રૂપિયામાં ખરીદ્યો. બંગલો વેચતી વખતે રાજેન્દ્રકુમારે શરત રાખી કે બંગલોનું નામ ‘ડિમ્પલ’ ન રાખવું, કારણ એ એમની દીકરીનું નામ હતું ને એમના બીજા બંગલોનું નામ પણ ‘ડિમ્પલ’ હતું. બે-બે ‘ડિમ્પલ’ બંગલોથી ખાલી ફોગટ કન્ફ્યુઝન થાય. “તમારે નામ બદલું પડશે, પણ મારા તમને આશીર્વાદ છે કે આ બંગલો તમને ફળે.”
એમની વાત સાંભળી રાજેશ ખન્નાએ નામ રાખ્યું- ‘આશીર્વાદ.’ રાજેશ ખન્ના માટે બંગલો ખરેખર આશીર્વાદ રૂપ નીવડ્યો, સફળતા એમની સાથી બની ગઈ. એ ભારતના પહેલા સુપરસ્ટાર બન્યા, ડિમ્પલ કાપડિયા આ જ ઘરમાં નવવધૂ બનીને પ્રવેશ્યાં, દીકરીઓ ટ્વિન્કલ-રિન્કીના જન્મ પણ અહીં જ થયા, આ જ બંગલોમાં રાજેશ ખન્ના કલાકો ને કલાકો નિર્માતાઓને રાહ જોવડાવતા, અહીં જ એ દરબાર ભરતા, સિલ્કનાં લુંગી, કુરતામાં સજ્જ એ બીજા કરતાં પોતાની ખુરશી થોડી ઊંચી રખાવતા, રાતભર વ્હિસ્કીની નદીઓ વહેતી, જેમાંથી ખોબલે ખોબલે પીતાં ચમચાઓ કહેતાઃ “કિંગ કાકા તૂસી છા ગયે હો.”

જો કે ‘ચિત્રલેખા ગ્રુપ’ના ફિલ્મ સામયિક ‘જી’ના રાજેશ ખન્ના સ્પેશિયલ ઈશ્યુ માટે હરકિસન મહેતાને ઈન્ટરવ્યુ તથા મધુરી કોટકને તસવીરો આપવા એ જમીન પર બેસી ગયેલા. -અને આ જ બંગલોની બાલ્કનીમાં ઊભા રહીને રાજેશ ખન્નાએ જમાઈ અક્ષયકુમાર પ્રશંસકોને દર્શન પણ આપેલા.
‘આશીર્વાદે’ રાજેશ ખન્નાની ચડતી જ ન જોઈ. એ એમની પડતીનો પણ સાક્ષી બન્યો. ‘જંજીર’ બાદ હિંદી સિનેમાસૃષ્ટિમાં એન્ગ્રી યંગ મૅનની એન્ટ્રી થઈ. મારધાડવાળી ફિલ્મોના દૌરમાં રોમાન્ટિક રાજેશ ખન્નાને પબ્લિકે જાકારો દીધો. કાનાફુસી થવા માંડી કે રાજેશ ખન્ના પર દેવું થઈ ગયું છે, ઈન્કમ ટૅક્સવાળા પણ તકાજા કરે છે, એ ‘આશીર્વાદ’ વેચવા માગે છે.
લેખક ગૌતમ ચિંતામણી એમના પુસ્તક ‘ધ લોન્લીનેસ ઓફ બીઈંગ રાજેશ ખન્ના… ડાર્ક સ્ટાર’માં નોંધે છે કે, એ સમયે એવું ચર્ચાતું હતું કે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને કથિત રીતે આ બંગલો ખરીદવામાં રસ દાખવેલો છે. કહેવાય છે કે ઓફર રાજેશ ખન્નાને મોકલવામાં આવેલી. ઓફરમાં ખાનપરિવારે કથિત રીતે જણાવ્યું કે રાજેશ ખન્નાનો પેન્ડિંગ ઈન્કમ ટૅક્સ ભરી દેવામાં આવશે ઉપરાંત સલમાન ખાન રાજેશ ખન્નાના પ્રોડક્શનમાં મફત કામ કરશે, પણ ખન્ના સાહેબે સ્પષ્ટ કહી દીધું: ના. મારે ‘આશીર્વાદ’ નથી વેચવો.
અંગ્રેજી અખબાર મુંબઈ મિરરના અહેવાલ મુજબ, ‘આશીર્વાદ’ તેના માલિક માટે મુસીબત બની ગયું હતું. રાજેશ ખન્ના એમનો મોટા ભાગનો સમય બાન્દ્રાના લિંકિંગ રોડ પર આવેલી ઑફિસમાં જ વિતાવતા. ‘આશીર્વાદ’માં એ માત્ર સૂવા-ફ્રૅશ થવા જ જતા. આમ છતાં બીમારીથી લઈને આખરી સાંજ સુધી એ ‘આશીર્વાદ’થી અળગા તો ન જ થયા.
આજથી ચોવીસ વર્ષ પહેલાં, 18 જુલાઈએ રાજેશ ખન્નાનું અવસન થયું ત્યારે ‘આશીર્વાદ’ તરફ જતા રસ્તા સેંકડો પ્રશંસકોથી ઊભરાઈ ગયા હતા.

રાજેશ ખન્નાના અવસાન બાદ પત્ની ડિમ્પલ કાપડિયા નહીં, પણ દીકરીઓ, ટ્વિન્કલ-રિન્કી એમની વારસદાર બની. 2014માં આ ઐતિહાસિક બંગલો 90 કરોડ રૂપિયામાં વેચાયો. તે વખતે એવું ચર્ચાતું કે રાજેશ ખન્નાના જમાઈ અક્ષયકુમાર અને ખરીદદાર શશી કિરણ શેટ્ટીએ માત્ર દસ મિનિટમાં સોદો પાકો કરી કાઢેલો.

આમ સુપરસ્ટારડમના પ્રતીક સમા બંગલોના યુગનો અંત આવ્યો. એ શાપિત હતો કે નહીં એ તો સૌ સૌની માન્યતા પર નિર્ભર છે.




