‘વેલકમ ટુ ધ જંગલ’ના એક સીનમાં જેક્લિન ફર્નાન્ડીઝ પોતાની જાતને પૂછે છે કે “હું આ ફિલ્મમાં છું જ શા
માટે?” (ગ્લેમર માટે)… તો બીજા સીનમાં રાજપાલ યાદવ કંટાળીને કલાકારોને કહે છેઃ “તમારે જે કરવું હોય એ કરો… વાર્તા હવે તમે જ આગળ વધારો.” આ બે ડાયલૉગ ફિલ્મ પર જ મોટી જોક બની જાય છે.
જો તમને નવાઈ લાગતી હોય કે જેક્લિન અને રાજપાલ આવું શું કહે છે તો એનું કારણ એ કે ‘વેલકમ ટુ ધ જંગલ’માં ફિલ્મની અંદર ફિલ્મ છે. સ્વર્ગસ્થ નીરજ વોરાની વાર્તા પરથી ફરહાદ સામજીએ સ્ક્રીનપ્લે લખ્યો છે. ફિલ્મનો આરંભ થાય છે કરપ્ટ અબજોપતિ (ઝાકીર ખાન)ની મૂંઝવણથી, કે કરોડો રૂપિયાનો ટૅક્સ કેવી રીતે બચાવવો? અંતે એ એના મૅનેજર (જોની લિવર)ની સલાહથી લૉસ બતાવવા ફ્લૉપ ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે ને દિગ્દર્શન સોંપે છે બેકાર ડિરેક્ટર જોડી, દેવ અને દાસને (પરેશ રાવલ-રાજપાલ યાદવને)…
ઓકે, ફિલ્મની અંદર ફિલ્મ અથવા નાટકની અંદર નાટકના કથાવસ્તુવાળી કૃતિનાં મૂળિયાં 1967માં મેલ બ્રુક્સ લિખિત ‘ધ પ્રોડ્યુસર્સ’ નામની ફિલ્મમાં છે એમ કહી શકાય. આમાં બ્રૉડવેનો એક નિષ્ફળ પ્રોડ્યુસર એના અકાઉન્ટન્ટ સાથે મળીને પહેલા જ શોમાં પિટાઈ જાય એવી ભંગાર મ્યુઝિકલ બનાવવાની યોજના બનાવે છે, જેથી શો બનાવવા ફાઈનાન્સરો પાસેથી લીધેલા પૈસા પાછા આપવા ન પડે, પરંતુ તેમની યોજના ઊંધી પડે છે. ભંગાર શો તો સુપરહિટ બની જાય છે.
અહીં દેવ અને દાસ અક્ષયકુમાર-દિશા પટણી-જેક્લિન ફર્નાન્ડીસ-સુનીલ શેટ્ટી-અરશદ વારસી-યશપાલ શર્મા-મુકેશ તિવારી-દલેર મેહંદી-ક્રિશ્ના અભિષેક-કિકુ સારડા જેવા ઍક્ટરો તથા સિનેમેટોગ્રાફર શ્રેયસ તલપડે સાથે ફિલ્મ શરૂ કરે છે, અક્ષયનો સેક્રેટરી તુષાર કપૂર છે. અને શરૂ થાય છે સર્કસ. હા, સર્કસમાં દર પાંચ-સાત મિનિટે ખેલ બદલાય એવો જ અહીં તાલ છે. ડિરેક્ટર અહેમદ ખાને સળંગ ફિલ્મ નહીં, પણ 164 મિનિટનો કઢંગો એન્ટરટેન્મેન્ટ વરાઈટી શો બનાવ્યો છેઃ અચાનક પીઓકે અને બરફીલા પહાડ આવી જાય, મુજાહિદ્દીન ટેરરિસ્ટ્સ અને એનો સરદાર જેકી શ્રોફ આવી જાય, સરહદ પરનું આઝાદગંજ ગામ, એના બંદીવાન ગામવાસી, ઉર્દૂ ડાયલૉગ્સ, સ્વાતંત્ર્ય અને દેશભક્તિનો જુવાળ અને અચાનક કૉમેડી દેશભક્તિવાળો ઍક્શન ડ્રામા બની જાય. દેવ અને દાસ વૉર-ફિલ્મ બનાવી રહ્યા છે (યાદ કરો હોલિવૂડની ‘ટ્રોપિક થન્ડર’) એટલે લારા દત્તા ઍક્ટરોને મિલિટરીની ટ્રેનિંગ આપવા આવે છે.

કબૂલ કરવું જોઈએ કે ફિલ્મમાં બે-ત્રણ ઠેકાણે મને ખરેખર હસવું આવ્યું. જેમ કે ફરીદા જલાલ-કિરણ કુમાર વચ્ચેનું ટ્રેજી-કૉમિક સમીકરણ, જે રણધીર કપૂર દિગ્દર્શક ‘હિના’ (1991)ની યાદ તાજી કરે છે. આઝાદગંજની ફરીદા જલાલ હંમેશાં રડમસ અવાજમાં અસંબદ્ધ અને અર્થહીન બબડાટ કર્યા કરે છે, જે માત્ર કિરણકુમાર જ સમજી શકે છે. પછી એ એટલી અઘરી ઉર્દૂમાં એની સમજણ આપે છે, જે પેલા બબડાટ કરતાં વધારે અઘરી છે. જેમ કે, પરેશ રાવલ-રાજપાલ યાદવ પહેલી વાર અરશદ વારસી-સુનીલ શેટ્ટીને મળે છે એ સીન. જેમ કે ફિલ્મી રેફરન્સવાળી હ્યુમર. દાખલા તરીકે, આઝાદગંજમાં વસતી રવીના ટંડન અક્ષયને જોઈને કહે છેઃ “બીસ સાલ લગા દિયે તુમને આતે આતે…” જેમ કે, સ્ક્રીન પર ઈન્ટરમિશન (મધ્યાંતર) લખાણ બાદ તરત અક્ષયકુમાર હાથમાં પૉપકૉર્ન લઈને સામે આવે છે ને મજાકિયા અંદાજમાં કહે છેઃ “ફિલ્મના સર્જકે એક સોંગ શૂટ કર્યું, પરંતુ એને ક્યાં રાખવું એ નક્કી કરી શક્યા નહીં એટલે અમે ઈન્ટરવલમાં બતાવવાનો નિર્ણય લીધો!” તે પછી અક્ષયકુમાર-દિશા પટણી પર ચિત્રિત થયેલું ‘ક્યૂં…’ ગીત શરૂ થાય છે.
તો શું ફિલ્મ જોવી જોઈએ?
જોઈ શકો… જો તર્ક અને બુદ્ધિ અને સેન્સિબલિટી જેવા શબ્દો તમે ત્રણેક કલાક માટે ભૂલી શકતા હોવ. જોઈ શકો જો પરદા પર બે ડઝન કલાકારો એકબીજા સામે બૂમબરાડા પાડતા હોય, અચાનક આતંકવાદીઓ આવી જાય, અચાનક પ્રેમકથા જન્મતી ને મરી જતી હોય અને પટકથા દર પંદર મિનિટે પોતાનો નિર્ણય બદલતી હોય એવું કમને ગમતું હોય… તો કદાચ આ ફિલ્મ તમને ગમી પણ જાય.
બાકી કૉમેડીનાં તમારાં સ્ટાન્ડર્ડ ઊંચાં હોય તો આ જંગલમાં પ્રવેશતાં પહેલાં વિચારજો!




