સંયમે 10મી એર પિસ્ટોલમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

હાંગઝોઉઃ શુક્રવારે ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપ 2026માં સંયમે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે પ્રથમ મેડલ મેળવ્યો હતો. 22 વર્ષની ભારતીય શૂટરે કુલ 243.4 પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. તે ગોલ્ડ મેડલથી માત્ર 0.2 પોઈન્ટ પાછળ રહી ગઈ હતી. હાંગઝોઉમાં મળેલો આ સિલ્વર મેડલ સંયમનો બીજો ISSF વર્લ્ડ કપ મેડલ છે. આ પહેલાં તેણે કતારના દોહામાં યોજાયેલા 2025 ISSF વર્લ્ડ કપ ફાઈનલ્સમાં પણ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ચીનની યાઓએ જીત્યો ગોલ્ડ

ચીનની યાઓ કિયાનશુને 243.6 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઈરાનની ઓલિમ્પિયન હાનિયા રોસ્ટામિયને 221.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ISSF વર્લ્ડ કપમાં અનેક વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી ભારતની સુરુચિ સિંહ ફાઈનલમાં 137.6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સંયમે 579-17x સ્કોર સાથે 10મું સ્થાન મેળવ્યું હતું. જોકે તે ફાઈનલમાં પહોંચી શકી, કારણ કે તેની આગળ રહેલા બે શૂટરો—જેમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર પણ સામેલ હતી—માત્ર રેન્કિંગ પોઈન્ટ્સ ઓન્લી (RPO) માટે રમ્યા હતા, તેથી તેઓ ફાઈનલ માટે પાત્ર નહોતાં.

મનુ ભાકરે ક્વોલિફિકેશનમાં 582-12x સ્કોર સાથે ભારતીય દળમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું અને કુલ ચોથા સ્થાને રહી. જ્યારે સુરુચિ સિંહ 579-20x સ્કોર સાથે નવમા સ્થાને રહી. ઈશા સિંહ (577-22x) અને લક્ષિતા (572-14x) અનુક્રમે 13મા અને 36મા સ્થાને રહી હતી.

પુરુષોની સ્પર્ધામાં કેવું રહ્યું પ્રદર્શન?

પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં કોઈપણ ભારતીય શૂટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નહોતો. હાંગઝોઉમાં યોજાતી આ શૂટિંગ સ્પર્ધા એક સંયુક્ત ISSF વર્લ્ડ કપ છે, જેમાં રાઇફલ, પિસ્ટલ અને શોટગન શૂટરો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા આગામી મંગળવારે પૂર્ણ થશે.