મુંબઈમાં દિવાળી 15-વર્ષમાં પહેલી વાર ઓછા અવાજવાળી રહી

મુંબઈઃ મહાનગર મુંબઈએ આ વખતે ફટાકડાના ઓછા અવાજવાળી દિવાળી ઉજવી છે. 15 વર્ષના ગાળા બાદ ફરી મુંબઈવાસીઓને આવી રાહત ફરી મળી છે. ગઈ કાલે, શનિવારે રાતે 10 વાગ્યા પહેલાં શહેરમાં ફટાકડાના અવાજનું સ્તર 105.5 ડેસિબલ (ડીબી) નોંધાયું હતું. દિવાળીમાં ફટાકડા ફોડવા માટે રાતે 10 વાગ્યા સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. શિવાજી પાર્ક મેદાન ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તે વખતે અવાજનું સ્તર માપવામાં આવ્યું હતું.

મુંબઈમાં છેલ્લા સતત ત્રણ વર્ષોમાં ફટાકડાને કારણે અવાજનું મહત્તમ સ્તર આ પ્રમાણે નોંધાયું હતુઃ 2019માં 112.3 ડીબી, 2018માં 114.1 ડીબી અને 2017માં 117.8 ડીબી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રહેવાસી-નાગરિકોએ પણ કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને આ વખતે બહુ ઓછા ફટાકડા ફોડીને સરકારને સહકાર આપ્યો છે.

ફટાકડા ફોડવા અને વેચવા પર મૂકાયેલા સંપૂર્ણ પ્રતિબંધને ગંભીરતાથી લેવાના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પાસ કરેલા ઓર્ડરના મુદ્દે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે રાજ્યમાં આ ઓર્ડરનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.