ગ્રેટા થનબર્ગ ટૂલકિટ-કેસ: પર્યાવરણ-કાર્યકર્તા દિશા રવિની ધરપકડ

બેંગલુરુઃ હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતી વખતે સગીર વયનાં સ્વિડીશ પર્યાવરણ-કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એમનાં ટ્વીટ સાથે જે વિવાદાસ્પદ ટૂલકિટ રિલીઝ કરી હતી તે વિશે નોંધેલા કેસના સંબંધમાં દિલ્હી પોલીસે આજે બેંગલુરુમાં આ શહેરનાં 21 વયની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની આજે સવારે ધરપકડ કરી હતી. કોર્ટે દિશાને પાંચ દિવસ માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કસ્ટડીમાં મોકલી આપી છે. પોલીસનો દાવો છે કે દિશા રવિએ ગ્રેટ થનબર્ગે પોસ્ટ કરેલી ટૂલકિટનું એડિટિંગ કર્યું હતું. તેથી આ કેસમાં દિશા પણ સામેલ છે. દિશા બેંગલુરુની માઉન્ટ કાર્મેલ કોલેજની વિદ્યાર્થિની છે અને ભારતમાં ‘ફ્રાઈડેઝ ફોર ફ્યૂચર’ ઝુંબેશની એક સ્થાપક સભ્ય છે.

દિલ્હી પોલીસે દિશા રવિનો ફોન અને લેપટોપ પણ જપ્ત કર્યા છે. એમાંથી જ દિશાએ ટૂલકિટમાં ફેરફારો કર્યાં હતાં અને બાદમાં સોશિયલ મિડિયા પર શેર કર્યાં હતાં. દિલ્હીનો પોલીસનું માનવું છે કે તે ટૂલકિટ, જે અનેક લેખ, સોશિયલ મિડિયાનાં હેન્ડલ્સ તથા ખેડૂત આંદોલન વિશેની માહિતીથી સભર એક સંગ્રહ હતો, તે ભારત સરકાર વિરુદ્ધનું એક ષડયંત્ર છે. જે કોઈ વ્યક્તિ ખેડૂત આંદોલનને સમજવા માગે અને સંદેશને સોશિયલ મિડિયા પર ફેલાવે એમને માટે આ ટૂલકિટ તૈયાર કરવામાં આવી હતી.