મહાન અભિનેત્રી મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરીએ થયો હતો

મુંબઈઃ દુનિયામાં ઠેકઠેકાણે આજે 14 ફેબ્રુઆરીએ બિનસત્તાવાર વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દી ફિલ્મરસિયાઓ ખૂબસૂરતી અને મારકણી અદાઓને કારણે લોકપ્રિય બનેલી અભિનેત્રી મધુબાલાને યાદ કરે છે, જે 1933માં આ તારીખે દિલ્હીમાં જન્મ્યાં હતાં. મધુબાલાનું ખરું નામ હતું મુમતાઝ જહાં દેહલવી. તે એટલાં સુંદર હતાં કે 9 વર્ષની વયે જ એમને ‘બસંત’ નામની એક ફિલ્મમાં નાયિકાની દીકરીનો રોલ મળી ગયો હતો. ત્યારપછી મધુબાલાએ પાછું વાળીને જોયું નહોતું અને અભિનય ક્ષેત્રે ઝડપથી આગળ વધ્યાં. પરંતુ, મધુબાલાનાં જીવનનાં આખરી વર્ષો એમને માટે ખૂબ કપરાં બની રહ્યા હતા.

એમને હૃદયની બીમારી હતી, જેની જાણ એમને 1950ના દાયકામાં જ થઈ ગઈ હતી, પરંતુ એમણે તેને ગંભીરતાથી લીધી નહોતી. એ પ્રેમનાથ, દિલીપકુમાર અને કિશોરકુમાર સાથે અંગત જીવનમાં પ્રેમમાં હતાં. આખરે 23 ફેબ્રુઆરી, 1969ના રોજ મુંબઈમાં એમણે આખરી શ્વાસ લીધો હતો. એ વખતે એમની ઉંમર માત્ર 36 વર્ષ હતી. 20 વર્ષની કારકિર્દીમાં મધુબાલાએ 70 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. 1942થી 1962 દરમિયાન એમની 20 ફિલ્મ સુપરહિટ થઈ હતી. એમણે દિલીપકુમાર અને કિશોરકુમાર સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી હતી, જેમ કે ‘મુગલ-એ-આઝમ’, ‘ચલતી કા નામ ગાડી’ વગેરે. એમની અન્ય જાણીતી ફિલ્મો છેઃ તરાના, અમર, સંગદિલ, ઝૂમરુ, હાફ ટિકટ, હાવડા બ્રિજ, બરસાત કી રાત, મિસ્ટર એન્ડ મિસિસ 55, કાલા પાની, જાલી નોટ, ઈન્સાન જાગ ઉઠા, દો ઉસ્તાદ.