સુપ્રીમ કોર્ટે બધી અરજી ફગાવતાં કહ્યું, EVMથી જ થશે મતદાન

નવી ­દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની માગને લઈને બધી અરજીઓને ફગાવી દીધી છે બેલેટ પેપરની માગને લઈને પણ અરજીઓ કોર્ટે ફગાવી છે. કોર્ટના આ ચુકાદાથી EVM દ્વારા મતોને VVPATની પર્ચીઓથી 100 ટકા મેળવવાની માગને પણ આંચકો લાગ્યો છે. આ ચુકાદો સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતીથી આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે. EVM-VVPAT નું 100% મેચિંગ કરવામાં આવશે નહીં. VVPAT સ્લિપ 45 દિવસ સુધી સુરક્ષિત રહેશે. આ સ્લિપ ઉમેદવારોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે ઉમેદવાર પરિણામ જાહેર થયાના સાત દિવસની અંદર ફરીથી ચકાસણીની માગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રો કન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો તે ખોટું સાબિત થશે, તો પૈસા પરત કરવામાં આવશે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૂંટણી પંચને ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવા જણાવ્યું છે. આ સિવાય બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગને પણ બેન્ચે સ્વીકારી નથી. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ દરમિયાન બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું  કે અમે ખોટા સાબિત થવા નથી માગતા, પરંતુ અમારાં તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માગીએ છીએ. આ કારણોસર અમે સ્પષ્ટતા માગવાનું વિચાર્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે કોર્ટના આ ચુકાદા પછી હવે કોઈને શંકા નહીં રહેવી જોઈએ. હવે જૂના સવાલ ખતમ થવા જોઈએ. સવાલોથી મતદાતાના મનમાં શંકા થયા છે. ચૂંટણી સુધારા ભવિષ્યમાં પણ જારી રહેશે.