વિશ્વ રેડિયો દિન: ડૉ.દર્શન ત્રિવેદી સાથે ઈન્ટરેક્ટીવ-સેશન

અમદાવાદઃ ‘વિશ્વ રેડિયો દિન’ નિમિત્તે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘માઇકા’ના આનુષંગિક ફેકલ્ટી અને ફિલ્મમેકર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી સાથે એક ઇન્ટરેક્ટીવ સત્રનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં પ્રેક્ષકોએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. ડૉ. ત્રિવેદીએ શોધથી લઇને ટ્રાન્સમિશન અને ડિજીટલ વિશ્વમાં રેડિયોની અગત્યતા જેવા વિષયો પર ચર્ચા કરી હતી.

યુનાઇટેડ નેશનલ રેડિયોની સ્થાપના 13 ફેબ્રુઆરી 1946ના રોજ કરવામાં આવી હતી. 14 જાન્યુઆરી 2013ના રોજ યુનાઇટેડ નેશનલ મહાસમિતિમાં ‘વિશ્વ રેડિયો દિન’ની ઘોષણાને યુનેસ્કો દ્વારા ઔપચારિક રીતે સમર્થન આપવામાં આવ્યું હતું.

ડૉ. ત્રિવેદીએ ગુગલીઇમો માર્કોની અને નિકોલા ટેસ્લા વચ્ચેની પેટન્ટ લડાઇ વિશે વિદ્યાર્થીઓને વાત કરતા સત્રનો પ્રારંભ કર્યો હતો. તેમણે એમ્પ્લીટ્યૂડ મોડ્યૂલેશન (AM) અને ફ્રીક્વન્સી મોડ્યૂલેશન (FM), સેટેલાઇટ રેડિયો, ઓનલાઇન રેડિયો અને હેમ રેડિયો વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો.

વર્ષો વીતતાં ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) શરૂ થવા અંગે ખાસ ઉલ્લેખ કરતા ડૉ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારતની રાષ્ટ્રીય જાહેર સેવા પ્રસારણકર્તા માહિતી આપવા, શિક્ષણ પૂરું પાડવા અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કામ કરી રહી છે. “AIR’ની હોમ સર્વિસીઝમાં 470 બ્રોડકાસ્ટિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે જે દેશના આશરે 92 ટકા વિસ્તારોને, 24 ભાષાઓને અને 179 બોલીઓના કાર્યક્રમોને આવરી લે છે. આ રીતે તે વિશ્વમાં સૌથી મોટું પ્રસારણકર્તા છે,” એમ તેમણે જણાવ્યું હતું.

FM રેડિયો વિશે સમજાવતાં, ડૉ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “FM રેડિયો સ્ટેશન્સ AIRથી સંપૂર્ણપણે અલગ છે. તે ખાનગી રેડિયો સ્ટેશન્સ છે અને વ્યાપારી ધોરણે કામ કરે છે. તેઓ નાનામાં નાના સ્થળ સુધી પહોંચવા માટે બેન્ડવિથ ધરાવે છે અને તે અત્યંત અગત્યનું પણ છે. તેઓ AM કરતા વધુ સારી સાઉન્ડ ગુણવત્તા ધરાવે છે.”

સત્ર જેમ આગળ ચાલ્યું તેમ ડૉ. ત્રિવેદીએ ડિજીટલાઇઝેશનના વિશ્વમાં રેડિયોએ પોતાની હાજરીની અનુભૂતિ કરાવવા કેવી રીતે સંચાલન કર્યુ છે તેની માહિતી આપી હતી. “આ ડિજીટલ વર્લ્ડ રેડિયોએ તેની અગત્યતા જાળવી રાખી છે. રેડિયોના અનેક લાભોમાંનો એક લાભ એ છે કે તેમાં ટેલિવિઝન અને ઇન્ટરનેટની જેમ સીધી સામેલગીરીની જરૂર રહેતી નથી. કોવિડ-19ના સમયમાં, FM સ્ટેશનોએ લોકોને સતર્ક રાખવા માટે અગત્યની ભૂમિકા ભજવી હતી,” એમ ડૉ. ત્રિવેદીએ જણાવ્યું હતુ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]