લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂત આંદોલન ભાજપની મુશ્કેલી વધારશે?

નવી દિલ્હીઃ આશરે બે વર્ષ પછી ખેડૂતો ફરી ટ્રેક્ટર લઈને દિલ્હી આવી રહ્યા છે. વર્ષ 2020-21માં આશરે એક વર્ષ સુધી તેમણે ધરણાં કર્યાં હતાં. ત્યારે ખેડૂતો ત્રણ કૃષિ કાયદા રદ કરાવીને જ પરત ફર્યા હતા. હવે ખેડૂતોએ લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં આંદોલન શરૂ કર્યું છે.

આ આંદોલનને રોકવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રની વચ્ચે વાતચીત જારી છે, પણ હજી સુધી કોઈ પરિણામ નથી આવ્યું.આવામાં ખેડૂતોના ‘દિલ્હી ચલો’ માર્ચને રાજધાનીમાં અટકાવવા માટે દિલ્હીની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે, ખેડૂતોને અટકાવવા માટે કોન્ક્રીટ અવરોધ અને લોખંડના ખીલાઓ અને કન્ટેનરની દીવાલ લગાવીને સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.જોકે ખેડૂત આંદોલનથી સરકાર સક્રિય છે, પણ ગભરાઈ જરાય નથી. સરકારમાં અફરાતફરીનો માહોલ નથી. આવામાં સવાલ એ છે કે ખેડૂત આંદોલનથી ભાજપની મુશ્કેલીઓ વધશે કે કેમ?

આ વખતે આંદોલનથી અત્યાર સુધી મોટા ખેડૂત નેતાઓ પણ દૂર છે. હરિયાણાના ગુરુનામ સિંહ ચઢુની આંદોલન સાથે નથી જોડાયા. સંયુક્ત ખેડૂત મોરચા તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આંદોલનમાં બોલાવવામાં નથી આવ્યા, નથી તેમનાથી વિચારવિમર્શ કરવામાં આવ્યો, જેથી તેઓ સામેલ નહીં થાય.આ આંદોલનમાં મોટા ભાગનાં સંગઠનો પંજાબના છે. આવામાં આ માર્ચ પંજાબ પૂરતી મર્યાદિત રહેવાની સંભાવના છે. જેથી પંજાબ કેન્દ્રિત ખેડૂત આંદોલનની ભાજપ પર વધુ અસર નહીં થાય. વળી, ખેડૂતોની વિવિધ માગો પર સરકાર કામ કરી રહી છે. ખેડૂતોએ MSP માટે કાયદાકીય ગેરન્ટી, સ્વામિનાથન પંચની ભલામણોને લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, કૃષિ ઋણ માફી, પોલીસ કેસ પર લેવા અને લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરી છે.