‘સુપર 30’ ના જિનિયસ અને તેમના વિદ્યાર્થીની અમેરિકામાં ભાવુક મુલાકાત

અમેરિકા: પોતાનો વિદ્યાર્થી વિદેશમાં સફળ હોય અને ત્યાં અચાનક મળી જાય અને જે રીતે એ સમ્માન આપે તેનાથી મોટો પુરસ્કાર કોઈ શિક્ષક માટે શું હોય શકે! પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આનંદકુમારની અમેરિકામાં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથેની હૃદયસ્પર્શી મુલાકાત કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી જ હતી!

‘સુપર 30’ શૈક્ષણિક સંસ્થાના સ્થાપક આનંદકુમારને ફિલ્મોમાં ભજવાય તેવા દ્રશ્યનો સાક્ષાત્કાર અમેરિકામાં થયો. તેઓ ન્યુજર્સીના એક મોલમાં પોતાના વિદ્યાર્થીઓ માટે ખરીદી કરી રહ્યાં હતા. ત્યાં અચાનક તેમનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપ ચૌધરી સામે આવી ગયો અને બહુ જ ભાવુક થઈ તેમને પગે લાગ્યો. એટલું જ નહીં તેમણે ખરીદેલી વસ્તુના રૂપિયા પણ પોતે ચૂકવી દીધા અને તેઓ રોકાયા હતા તે સ્થાને તેમને પોતાની ગાડીમાં મૂકી ગયો.

આ વાત આનંદ કુમારે તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘મારા જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે, જે ફિલ્મી લાગે છે. આજે જ હું ન્યુજર્સીના મોલમાં બાળકો માટે થોડો સામાન ખરીદી રહ્યો હતો કે, અચાનક પાછળથી અવાજ આવ્યો…આનંદ સર, તમે અહીં અમેરિકામાં છો. એ આગળ આવીને મારા પગે પડ્યો અને બોલ્યો કે, ‘સર હું સંદીપ ચૌધરી, તમારો વિદ્યાર્થી!’ પછી શું તેણે મને મોલમાં સામાનના પૈસા પણ આપવા ન દીધા. એણે જાતે સામાનના પૈસા ચૂકવી દીધા અને બોલ્યો કે, ‘આજે હું અહીં સુધી પહોંચ્યો છું, તે તમારા જ તો આશિર્વાદ છે.’ વધુમાં મારું જ્યાં રોકાણ હતું. ત્યાં સુધી તે પોતાની ગાડીમાં મને મૂકવા આવ્યો. મારા જેવા શિક્ષકને આનાથી વધુ ગર્વની વાત કઈ હોઈ શકે!’

આનંદ કુમારની ઓનલાઈન પોસ્ટ વાયરલ થયા બાદ એક લાખથી વધુ લોકોએ તે જોઈ. લોકોની કમેન્ટ કંઈક આ પ્રકારની હતી. એક યુઝરે લખ્યું, ‘સર, તમે ભારતનું ગૌરવ છો! વર્તમાન યુગના મહાન ગણિતશાસ્ત્રી અને સાચા શિક્ષક.’ બીજી કમેન્ટ હતી, ‘તમે એક સાચા શિક્ષક છો. પ્રભુ તમને વધુ શક્તિ આપે જેથી તમે હજુ વધુ બાળકોને શિક્ષણ આપીને તેમનું ભલુ કરી શકો.’ અન્ય એકે લખ્યું, ‘વિદ્યાર્થી દ્વારા તમને આ જે સન્માન મળ્યું છે. તે જ તો ખરી કમાઈ છે. બાકી બધું શૂન્ય છે, નશ્વર છે.’

 

આનંદ કુમાર એક સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને શિક્ષક છે. જેઓ આઈ.આઈ.ટી.માં પ્રવેશ માટે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ માટે ‘સુપર 30’ નામના એક કોચિંગ ક્લાસ ચલાવે છે. તેમના જીવન પર આ જ નામે ‘સુપર-30’ હિન્દી ફિલ્મ પણ બની છે. જેમાં તેમનું પાત્ર જાણીતા અભિનેતા ઋત્વિક રોશને ભજવ્યું છે. 2023માં તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ કુમારે એક નવું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજનાનું પણ અનાવરણ કર્યું છે. આ પહેલનો હેતુ ભારતમાં વંચિત વિદ્યાર્થીઓને સુલભ શિક્ષણ આપવાનો છે.