દેશમાં ઝડપથી બંધ થઈ રહ્યા છે નાના શોપિંગ મોલ

નવી દિલ્હીઃ દેશમાં નાના શોપિંગ મોલ ઝડપથી બંધ થઈ રહ્યા છે, કેમ કે ગ્રાહકો હવે ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે અથવા મોટા મોલ જવાનું પસંદ કરવા લાગ્યા છે. વળી, મોલની અંદરની દુકાનો ખાલી હોવાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, જ્યારે મોલમાં 40 ટકાથી વધુ દુકાનો ખાલી થઈ જાય એને ઘોસ્ટ મોલ કે નિષ્ફળ મોલ કહેવામાં આવે છે, એમ અહેવાલ કહે છે.

વર્ષ 2023માં દેશમાં ગ્રોસ લીઝબેલ એરિયા અથવા ભાડા માટે તૈયાર દુકાનોની સંખ્યા 238 ટકા વધી છે, પરંતુ 2022માં ઘોસ્ટ મોલ 57થી વધીને 64 થઈ ગયા છે.

29 શહેરોમાં સર્વેમાં જણાવ્યા મુજબ એક લાખ સ્કવેર ફૂટવાળા 132 શોપિંગ મોલ ફેલ થવાને આરે છે. 2022માં એમાં પડેલી ખાલી દુકાનોની સંખ્યા 33.5 ટકા હતી, જે 2023માં વધીને 36.2 ટકા થઈ છે. અહેવાલ કહે છે કે કોમર્શિયલ રિટેલ પ્રોપર્ટીનો વિસ્તાર બહુ વધારે છે, પરંતુ એનું પ્રદર્શન સારું નથી રહ્યું. 2023માં 133 લાખ સ્ક્વેર ફૂટની દુકાનો ખાલી પડી હતી, જે કારણે ડેવલપર્સને 67 અબજનું નુકસાન થયું હતું.

નાના શોપિંગ મોલ એટલે નિષ્ફળ થઈ રહ્યા છે, કેમ કે તેઓ મોટાં શોપિંગ સેન્ટરો જેવી સુવિધા નથી આપી રહ્યાં. 2023માં ભારત 12.5 કરોડ સ્કવેરફૂટ મોલ ઘોસ્ટ શ્રેણીમાં હતાં, એમાંથી 75 ટકા આઠ મોટાં શહેરોમાં હતાં. દિલ્હી, મુંબઈ, બેન્ગલુરુ સહિત દેશના આઠ સૌથી મોટાં શહેરોમાં 2023માં કુલ શોપિંગ મોલ ઘટીને 263 રહી ગયા છે. આ શહેરોમાં આઠ નવાં સેન્ટર ખૂલ્યાં છે, પણ સામે 16 બંધ થયાં છે.