દિવાળી-નાતાલમાં ફટાકડા ફોડવા પર કલકત્તા-હાઈકોર્ટનો સંપૂર્ણ પ્રતિબંધ

કોલકાતાઃ એક સુનાવણી વખતે કલકત્તા હાઈકોર્ટે કાલી પૂજા, દિવાળી, છઠ પૂજા, નાતાલ સહિતના આગામી તહેવારો વખતે પર્યાવરણને અનુરૂપ હોય એવા ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા ફોડવા અને તેના વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે માત્ર તેલ અથવા મીણના ઉપયોગવાળા દીવડાં પેટાવવાની જ પરવાનગી રહેશે. કોર્ટે રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તમામ પ્રકારના ફટાકડાનો ઉપયોગ અને વેચાણ બંધ રહે એ માટે તેમણે ચાંપતી દેખરેખ રાખવી.

અગાઉ, પશ્ચિમ બંગાળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લોકોને દિવાળીમાં રાતે 8-10 વાગ્યા સુધી, એમ બે કલાક માટે, છઠ પૂજાના દિવસે સવારે 6-8 બે કલાક માટે અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ 35 મિનિટ સુધી, પર્યાવરણને હાનિ ન પહોંચાડે એવા ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. પરંતુ કલકત્તા હાઈકોર્ટે બોર્ડનો તે આદેશ ફગાવી દીધો છે અને તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે કહ્યું છે કે દરેક નાગરિકને જીવવાનો અધિકાર છે તેમજ હાલ કોરોનાવાઈરસ મહાબીમારી ફેલાઈ છે તેવામાં જાહેર હિતને બહોળા સ્વરૂપે લક્ષમાં લેવા માટે આ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.