તમે બે, તમારા બે સાથે માણી શકાય એવી સ્વીટ

જથી, 29 ઑક્ટોબરથી, ડિઝનીપ્લસ હૉટસ્ટાર પર હમ દો હમારે દો રિલીઝ થઈ છે.

કેવી રીતે જઈશ?’, ‘બેયાર’ અને વેબસિરીઝ ‘વિઠ્ઠલ તીડી’ના સર્જક, તથા નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મ ‘રોંગસાઈડ રાજુ’નું નિર્માણ કરનાર અભિષેક જૈને પોતાની પહેલી હિંદી ફિલ્મ માટે જે વિષય પસંદ કર્યો છે એ પ્રેક્ષકો માટે નવો નથીઃ પ્રેમ પામવા કે પછી બીજા કોઈ કારણસર નકલી મા-બાપ ઊભાં કરવા. હૃશીકેશ મુખર્જીની ‘ગોલમાલ’થી લઈને હમણાં જ આવેલી ‘14 ફેરે’માં આપણે નકલી મા-બાપ, નકલી હસબન્ડ-વાઈફ જોયાં છે. દસેક વર્ષ પહેલાં આવેલી સિટકૉમ ટીવીસિરીઝ ‘સજન રે જૂઠ મત બોલો’માં સુમીત રાઘવન પ્રેમિકા (મુગ્ધા ચાફેકર) અને એના ચાચાજી (ટીકુ તલસાણિયા)નાં દિલ જીતવા જિગરી દોસ્ત સાથે મળીને આખો નકલી પરિવાર ઊભો કરે છે.

વિષયમાં ભલે નાવીન્ય ન હોય, પણ ચંડીગઢના મોહાલીની આસપાસ સર્જાયેલી ફિલ્મ વિશે એવી ઘણી બાબત છે, જે એને જોવાલાયક બનાવે છે. જેમ કે કાસ્ટિંગઃ આ પહેલાં ‘બરેલી કી બરફી’ જેવી રોમકૉમમાં સાથે જોવા મળેલાં રાજકુમાર રાવ-કૃતિ સેનન અને રત્ના પાઠક શાહ-પરેશ રાવલ ઉપરાંત મનુ રિશ-પ્રાચિ શાહ-અપારશક્તિ ખુરાના, સાનંદ વર્મા (મંડપ ડેકોરેશનથી લઈને કાકા-કાકી, ફોઈ-ફુવા જોઈએ એ સગાં ભાડે મેળવી આપતો ચંડીગઢનો ફેમસ વેડિંગ-પ્લાનર શાદીરામ)ના સાહજિક અભિનયે ફિલ્મમાં પ્રાણ પૂર્યા છે. આવા સશક્ત કલાકારો સાથે મળીને ડિરેક્ટર અભિષેકે કેટલીક મૅજિકલ મોમેન્ટ્સ સર્જી છે.

દીપક વેંકટેશન-અભિષેક જૈનની કથા (પટકથાઃ પ્રશાંત ઝા) કંઈ આવી છેઃ ધ્રુવ (રાજકુમાર રાવ) જિગરી દોસ્ત સૅન્ટી (અપારશક્તિ ખુરાના) સાથે મળીને ગર્લફ્રેન્ડ આન્યા (કૃતિ સેનન) સાથે લગ્ન કરવા નકલી મા-બાપ ઊભાં કરે છે. કારણ? ભઈ, લગ્ન વિશે આન્યાની એક મધુર કલ્પના છે કે સાસરામાં પ્રેમાળ સાસુ-સસરા (અને એક પાલતુ શ્વાન) હોવાં જોઈએ. હવે, ધ્રુવ રહ્યો અનાથ એટલે એ પુરુષોત્તમ શર્મા-દીપ્તિ કશ્યપ (પરેશ રાવલ-રત્ના પાઠક)ને પોતાનાં મા-બાપ તરીકે રજૂ કરે છે. આનાથી એનો પ્રોબ્લેમ સૉલ્વ થવો જોઈએ, પણ એ તો વધુ વકરે છે. કેમ કે જુવાનીમાં એકમેકને અનહદ પ્રેમ કરનાર પુરુષોત્તમ-દીપ્તિની લવસ્ટોરીનો કોઈ કારણસર સુખદ ધી એન્ડ આવ્યો નહોતો. આથી એ બન્ને ધ્રુવનાં મા-બાપ બનવા તૈયાર તો થયાં છે, પણ બન્નેને એકબીજા સાથે જરાયે બનતું નથી, જે ધ્રુવ માટે મુશ્કેલી સર્જતાં રહે છે. આવી સિચ્યુએશન એક ખડખડ હસાવતી કૉમેડી માટેનું સ્ટેજ તૈયાર કરે છે…

અલબત્ત, અહીં કૉમેડીનો અર્થ વાક્યે વાક્યે જોક્સ નથી. બલકે અભિષેકે કેટલીક ફની મોમેન્ટ્સ સર્જી છે. જેમ કે પુરુષોત્તમજી જ્યારે આન્યાનાં કાકા-કાકી (મનુ રિશી ચઢ્ઢા-પ્રાચિ શાહ) આગળ દારૂ પીને લવારા કરી ઑલમોસ્ટ બાજી બગાડી મૂકે છે ત્યારે દીપ્તિ કશ્યપ ધ્રુવને કહે છેઃ “આપણે આન્યાના વડીલોને કહીએ કે પુરુષોત્તમ સિમલા ગયેલા, જ્યાં દારૂના નશામાં પગ લપસવાથી એ ખીણમાં પડીને મરી ગયા… હું વિધવા બનવા તૈયાર છું.” આવી કેટલીક મૉમેન્ટ્સ ‘હમ દો હમારે દોને’ને એક સ્વીટ ફિલ્મ બનાવે છે. માવતરનું મહત્વ તથા ચાહો તો માવતર પણ પસંદ કરી શકાય એ સમજાવતી આ ફિલ્મમાં અભિષેક જૈને લોહીની સગાઈ ન હોવા છતાં માતા-પિતા-પુત્રનો જે હેતાળ સંબંધ બતાવ્યો છે એ હૃદયને સીધો સ્પર્શે છે. કરી લો 126 મિનિટનો આ અનુભવ.