આસારામના સાધકોનાં ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી

અમદાવાદઃ આસારામના આશ્રમ નજીક બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. 45,000 ચોરસ મીટરથી વધુ જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. આ જમીનની કિંમત 500 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આસારામના મોટેરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે નામંજૂર થયા બાદ અમદાવાદ વિકાસ પ્રાધિકરણ (AUDA) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આશ્રમમાં રહેતા લોકોએ વિરોધ પણ કર્યો હતો. ઘણા લોકોને આશ્રમ છોડવો પડ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસ પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે.

આજે 37 મકાનો તોડવામાં આવશે

ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે આજે ચાંદખેડા વિસ્તારમાં મોટેરા ગામ હેઠળ આવતાં 37 મકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના માટે ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે અને દરેક ટીમ સાથે પોલીસ દળ જોડવામાં આવ્યું છે.

દરેક ટીમમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI), બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને 25 પોલીસ જવાનો સામેલ છે. એ ઉપરાંત રિઝર્વમાં પણ એક PI, બે PSI અને 25 અધિકારીઓ તહેનાત રાખવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહીનું સંચાલન એસપી ડિવિઝન દ્વારા કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાએ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે, જરૂરી મંજૂરીઓ મેળવી છે અને રહેવાસીઓ સાથે બેઠક પણ યોજી હતી.

હાઈકોર્ટે આપ્યો હતો આદેશ

ગુજરાત હાઈકોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે 16 એપ્રિલ, 2026એ આસારામ આશ્રમની અપીલ ફગાવી દીધી હતી. આ નિર્ણય બાદ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી 45,000 ચોરસ મીટરથી વધુ જમીન રાજ્ય સરકારને પરત મેળવવાનો માર્ગ મોકળો થયો હતો. આશ્રમે અમદાવાદ જિલ્લા કલેક્ટરના જમીન પરત લેવાના આદેશ સામે કાનૂની લડત શરૂ કરી હતી. આ જમીન અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે. એવી માન્યતા છે કે આ જમીન 2030ના કોમનવેલ્થ ગેમ્સ અથવા ભવિષ્યના ઓલિમ્પિક આયોજન માટે ઉપયોગી બની શકે છે.