વૈશ્વિક સંકટ વચ્ચે વિકાસને વેગ આપવા PM મોદીએ આપ્યો મંત્ર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વડા પ્રધાન આર્થિક સલાહકાર પરિષદ (PM-EAC)ના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વૈશ્વિક અસ્થિરતા અને પડકારો વચ્ચે ભારતના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ વિચારો અને ઉપાયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને વધુ સુધારવા માટે જરૂરી સુધારાઓ અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સભ્યોએ પશ્ચિમ એશિયાના સંકટની ભારત તેમ જ વૈશ્વિક અર્થતંત્ર પર થતી અસરનું પણ મૂલ્યાંકન કર્યું હતું. આ બેઠક એવા સમયે યોજવામાં આવી છે જ્યારે વિશ્વનાં અર્થતંત્રો ભૂ-રાજકીય તણાવ, વેપાર ક્ષેત્રની અનિશ્ચિતતાઓ અને અસમાન વિકાસદર જેવા પડકારોનો સામનો કરી રહી છે.

આર્થિક મજબૂતી માટે નાગરિકોને અપીલ

ગયા મહિને પશ્ચિમ એશિયાના સંકટની પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન મોદીએ દેશની આર્થિક મજબૂતી જાળવવા અને આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે નાગરિકોને સાત મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે પર્યાવરણમિત્ર વિકલ્પોને અપનાવવા પર ભાર મૂક્યો હતો.

વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવાનો આગ્રહ

વડા પ્રધાને નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવા, ઇંધણનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા, રસોઈના તેલનો ઓછો ઉપયોગ કરવા, કુદરતી ખેતી અપનાવવા અને સોનાની ખરીદીથી દૂર રહેવાની અપીલ કરી હતી.

ઇંધણના ભાવમાં થતા ઉતાર-ચઢાવનો સામનો કરવા માટે તેમણે પરિવહનના વિકલ્પોમાં ફેરફાર કરવાની પણ સલાહ આપી હતી. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, ખાનગી વાહન જરૂરી હોય ત્યારે કારપૂલિંગ અપનાવવા, માલ પરિવહન માટે રેલવેને પ્રાથમિકતા આપવા અને ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.


ભારતીય અર્થતંત્રે પકડી ગતિ

આ દરમિયાન પાંચ જૂને જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2025-26ની ચોથા ત્રિમાસિક (Q4)માં ભારતના અર્થતંત્રએ બજારની અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દર 7.7 ટકા નોંધાયો છે.