આર્યને જામીન માટેની કડક-શરતોનું પાલન કરવાનું રહેશે

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટે મંજૂર કરી છે. એ માટે કોર્ટે અમુક શરતો મૂકી છે, જેનું આર્યને પાલન કરવાનું રહેશે. ન્યાયમૂર્તિ નીતિન સામ્બ્રેની સિંગલ-જજ બેન્ચે આર્યનને ગઈ કાલે જામીન મંજૂર કર્યા હતા અને તેનો ઓર્ડર આજે સવારે રિલીઝ કરાયો હતો.

લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ મુંબઈની આર્થર રોડ સ્થિત કેન્દ્રીય કારાગૃહમાં અદાલતી કસ્ટડીમાં રહેલા 23 વર્ષીય આર્યન માટેની આ છે શરતોઃ

  • તેણે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટસ્થિત કાર્યાલયમાં દર શુક્રવારે સવારે 11થી બપોરે 2 વાગ્યાની વચ્ચે હાજરી નોંધાવવી.
  • આર્યનને રૂ. એક લાખની રકમના પર્સનલ બોન્ડ રજૂ કર્યા બાદ જ છોડવામાં આવે. તેની સાથે એણે એક અથવા એકથી વધારે શ્યોરિટી આપવી. બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલા આ માટે આર્યનની જામીનદાર બની છે અને જામીનને લગતા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યાં છે.
  • આર્યને તપાસનીશ અધિકારીની પરવાનગી વગર દેશની બહાર જવું નહીં.
  • આર્યને તેની પર જે માટેનો આરોપ મૂકવામાં આવ્યો છે એવી કે એના જેવી પ્રવૃત્તિઓ કરવી નહીં.
  • આર્યને તેના આ કેસ વિશે પ્રચારમાધ્યમોને કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું નહીં.
  • કેસમાં સંકળાયેલા એક પણ સાક્ષીદારનો કોઈ પણ રીતે સંપર્ક કરવો નહીં.

આર્યન ખાનની સાથે આ કેસના સહ-આરોપીઓ – એના મિત્ર અરબાઝ મરચંટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચાની જામીન અરજીઓ પણ કોર્ટે મંજૂર કરી છે.