પેટાચૂંટણીઃ લોકસભાની-3, વિધાનસભાઓની-30 બેઠકો માટે આજે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની ત્રણ અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાઓની 30 બેઠકોની પેટા-ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. સુરક્ષાના કડક બંદોબસ્ત તથા કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટેના કડક નિયંત્રણોના અમલ વચ્ચે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. મતદાન કેન્દ્રોમાં મતદારોને એમનાં હાથ સેનિટાઈઝ કરાવવામાં આવી રહ્યા છે, એમનું તાપમાન ચેક કરવા માટે થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને એમને હાથનાં ગ્લોવ્ઝ આપવામાં આવી રહ્યા છે.

લોકસભાની ત્રણ બેઠક છે – ખંડવા (મધ્ય પ્રદેશ), મંડી (હિમાચલ પ્રદેશ) અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવ. વિધાનસભાઓની 30 બેઠકોમાં આસામમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર, મેઘાલયમાં ત્રણ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં ત્રણ,  બિહારમાં બે, કર્ણાટકમાં બે, રાજસ્થાનમાં બે, હરિયાણામાં એક, આંધ્ર પ્રદેશમાં એક, મહારાષ્ટ્રમાં એક, મિઝોરમમાં એક, નાગાલેન્ડમાં એક અને તેલંગણામાં એક બેઠકોનો સમાવેશ થાય છે. મતગણતરી બીજી નવેમ્બરે હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.