આર્યનની-‘ઘરવાપસી’: ‘મન્નત’ બંગલાની બહાર વહેલી દિવાળી ઉજવાઈ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સંડોવણી બદલ પકડાયા બાદ ચાર અઠવાડિયા (28 દિવસ) સુધી જેલમાં રહ્યા બાદ જામીન મંજૂર થતાં આજે જેલમાંથી છૂટ્યો હતો અને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરસ્થિત નિવાસસ્થાન ‘મન્નત’માં પાછો ફર્યો હતો. બંગલાની બહાર દિવાળીના ઉત્સવ જેવું વાતાવરણ હતું.

શાહરૂખના પ્રશંસકો મોટી સંખ્યામાં ‘મન્નત’ની બહાર એકત્ર થયા હતા અને આર્યનની ઘરવાપસીની ઉજવણી કરવા ફટાકડા ફોડ્યા હતા અને બેન્ડ-બાજા વગાડ્યા હતા. આર્યનને દક્ષિણ મુંબઈના મુંબઈ સેન્ટ્રલમાં આવેલા આર્થર રોડ પરની મુંબઈ સેન્ટ્રલ જેલમાંથી આજે સવારે મુક્ત કરવામાં આવ્યો હતો. શાહરૂખ એના દીકરાને તેડવા માટે જેલ ગયો હતો. શાહરૂખનો વર્ષો જૂનો બોડીગાર્ડ રવિ આર્યનને રક્ષણ આપીને કાર સુધી લઈ ગયો હતો અને અંદર બેસાડીને બાન્દ્રા તરફ રવાના થયા હતા. આર્યન ‘મન્નત’ ખાતે આવી પહોંચ્યો ત્યારે ત્યાં એકત્ર થયેલા શાહરૂખના સેંકડો પ્રશંસકોએ ફટાકડા ફોડ્યા હતા, ઢોલ વગાડીને, નાચીને આનંદ વ્યક્ત કર્યો હતો. ખાન પરિવારનાં સભ્યોના મોટા પોસ્ટરો સાથે પ્રશંસકો ‘મન્નત’ ખાતે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બીજી નવેમ્બરે શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. આમ, તેના ચાહકોએ દિવાળીની ઉજવણી આજે વહેલી કરી નાખી. ‘મન્નત’ બંગલાને ગઈ કાલે રાતથી જ રંગબેરંગી રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું.