રામ મંદિર માટે આખા દેશમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું છેઃ પીએમ મોદી (‘મન કી બાત’માં)

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં આજે વર્ષ 2023ના આખરી એપિસોડમાં જનતાને સંબોધન કર્યું હતું. આ તેમનો 108મો એપિસોડ હતો. આજે એમણે અયોધ્યાસ્થિત રામ મંદિરમાં આવતી 22 જાન્યુઆરીએ નિર્ધારિત ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવના આગામી પ્રસંગ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. એમણે કહ્યું, ‘રામ મંદિરને લઈને આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે. લોકો તે વિશે પોતપોતાની લાગણીને જુદી જુદી રીતે વ્યક્ત કરી રહ્યાં છે. તમે જોયું જ હશે કે ગત્ અમુક દિવસોમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યા વિશે અનેક સરસ નવા ગીત અને ભજન બનાવવામાં આવ્યા છે. ઘણા લોકો એ વિશે નવી કવિતાઓ પણ લખી રહ્યાં છે. આમાં મોટા મોટા અનુભવી કલાકારો પણ છે તો ઉભરતા યુવા સાથીઓએ પણ મન ને મોહી લેતી ભજન રચનાઓનું સર્જન કર્યું છે. કેટલાક ગીતો અને ભજન તો મેં પણ મારા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એવું લાગે છે કે કલા જગત પોતાની અનોખી શૈલીમાં ઐતિહાસિક ક્ષણનું ભાગીદાર બની રહ્યું છે.’

વડા પ્રધાને વધુમાં કહ્યું, ‘આ તબક્કે મારા મનમાં એક વાત આવી છે કે આપણે સહુ એવી બધી રચનાઓને એક સમાન હેશટેગ સાથે શેર કરીએ. મારો આપને અનુરોધ છે કે હેશટેગ ‘શ્રીરામભજન’ સાથે તમે તમારી રચનાઓને સોશિયલ મીડિયા પર શેર કરો. આ સંકલન લાગણીનો, ભક્તિનો એવો પ્રવાહ બનશે કે જેમાં દરેક જણ રામમય થઈ જશે.’

મોદીએ એક વિશેષ વાત કહી: ‘મારા કાર્યક્રમનો આજે આ 108મો એપિસોડ છે. જે એક રીતે વિશેષ છે, કારણ કે આપણા દેશમાં 108 અંકનું મહત્ત્વ, એની પવિત્રતા એક ગહન અધ્યયનનો વિષય રહ્યો છે. જેમ કે, માળામાં 108 મણકા હોય છે, ભગવાનના જાપ 108 વાર કરવાના હોય છે, આપણા દેશમાં 108 દિવ્ય ક્ષેત્ર છે, મંદિરોમાં 108 પગથિયાં હોય છે, 108 ઘંટડીઓ હોય છે. આમ 108નો આંકડો અસીમ આસ્થા સાથે જોડાયેલો છે.’

વડા પ્રધાન મોદીએ કરી જગદીશ ત્રિવેદીની મુક્તપણે પ્રશંસા

વડા પ્રધાન મોદીએ એમના આજના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ગુજરાતમાં અવારનવાર યોજાતા ડાયરો કાર્યક્રમ ખાસ ઉલ્લેખ કર્યો હતો. એમણે કહ્યું, ‘ડાયરો એટલે લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ.’ આ સાથે જ તેમણે ગુજરાતી ડાયરાના પ્રસિદ્ધ કલાકાર અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી વિશે વિગતવાર જાણકારી આપીને એમની પ્રશંસા કરી હતી. તો સાંભળો મોદીજીના સ્વરમાં…