હોકી વર્લ્ડ કપ 2024 માટે ભારતની પુરુષ અને મહિલા ટીમની જાહેરાત

નવી દિલ્હી ઓમાનના મસ્કતમાં યોજાનાર FIH હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ માટે ભારતની પુરુષ અને મહિલા ટીમોની જાહેરાત કરવામાં આવી છે. પુરૂષ ટીમની કમાન સિમરનજીતને સોંપવામાં આવી છે, જ્યારે મહિલા ટીમની કમાન રજની ઇતિમાર્પુ સંભાળશે. મહિલા ટીમ 24 થી 27 જાન્યુઆરીની વચ્ચે ટુર્નામેન્ટમાં પોતાની મેચ રમશે જ્યારે પુરૂષ ટીમ 28 જાન્યુઆરીથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

પુરુષોની ટીમની કમાન સિમરનજીતના હાથમાં

ઓમાનની ધરતી પર યોજાનાર વર્લ્ડ કપ માટે પુરૂષ ટીમની કમાન ફોરવર્ડ ખેલાડી સિમરનજીત સિંહને સોંપવામાં આવી છે. જ્યારે ડિફેન્ડર મનદીપને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં સૂરજ અને પ્રશાંત ચૌહાણના રૂપમાં બે ગોલકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનદીપ અને મનજીતને ડિફેન્ડર તરીકે ટીમમાં જગ્યા મળી છે. રાહિલ મૌસિન અને મનિન્દર સિંહ મિડફિલ્ડરની ભૂમિકામાં જોવા મળશે. પવન, ગુરજોત સિંહ, સિમરનજીત અને ઉત્તમ સિંહને ફોરવર્ડ ખેલાડી તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

રજની મહિલા ટીમની કેપ્ટન રહેશે

રજની ઇતિમાર્પુ વર્લ્ડ કપ માટે મહિલા ટીમની કેપ્ટનશીપ કરતી જોવા મળશે. મહિમા ચૌધરીને ટીમની વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. અજમિના કુજુર, રૂતજા, દીપિકા સૌરંગનો ફોરવર્ડ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મહિમા, જ્યોતિ અને અક્ષતાને ડિફેન્ડરની ભૂમિકામાં મૂકવામાં આવી છે. ભારતીય મહિલા ટીમને પૂલ સીમાં રાખવામાં આવી છે, જ્યાં તેનો મુકાબલો નામિબિયા, પોલેન્ડ અને અમેરિકા સામે થશે.

પુરુષોની ટીમ આ ટીમો સામે ટકરાશે

ભારતીય પુરુષ હોકી ટીમને વર્લ્ડ કપ 2024માં પૂલ-બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમને ગ્રુપ સ્ટેજમાં ઈજિપ્ત, જમૈકા અને સ્વિટ્ઝર્લેન્ડનો સામનો કરવો પડશે. નેધરલેન્ડ, પાકિસ્તાન, પોલેન્ડ અને નાઈજીરિયાને પૂલ-એમાં મૂકવામાં આવ્યા છે જ્યારે પૂલ-ડીમાં મલેશિયા, ફિજી, ઓમાન, અમેરિકા અને ફિજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ અને કેન્યાને પૂલ સીમાં રાખવામાં આવ્યા છે.