મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના વડા રાજ ઠાકરેની ધાક હજી પણ યથાવત્ છે એનો એક વધુ પુરાવો મળ્યો છે. મનસે પાર્ટીએ કરેલી એક માગણીને જાણીતી મ્યુઝિક કંપની T-Seriesએ માન્ય રાખી છે.
પાકિસ્તાની ગાયક આતિફ અસલમે ગાયેલું ‘કિન્ના સોના’ ગીત T-Series કંપનીએ તેની યૂટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધું છે. સાથોસાથ, હવેથી પાકિસ્તાની કલાકારોને કોઈ પણ પ્રકારનો સહકાર આપવામાં નહીં આવે એવી ખાતરી પણ T-Series કંપનીએ રાજ ઠાકરેને લખેલા પત્રમાં આપી છે. આ પત્ર સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. કંપનીએ મરાઠી ભાષામાં જ લખ્યો છે.
2019માં આવેલી ‘મરજાવાં’ ફિલ્મનું રોમેન્ટિક ગીત ‘કિન્ના સોના’, જે મૂળ રીતે મીત બ્રધર્સ, જુબીન નૌટિયાલ અને ધ્વનિ ભાનુશાલીએ ગાયું છે, અને સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા, રકુલ પ્રીત સિંહ પર ફિલ્માવાયું છે, એને પાકિસ્તાની ગાયક આતિફ અસલમે પોતાના સ્વરમાં ગાઈને હાલમાં જ રિલીઝ કર્યું હતું. બે દિવસ બાદ ટી-સિરીઝે વિડિયોને પ્રાઈવેટ કરી દીધો હતો. આવું એટલા માટે થયું કે જ્યારે ટ્વિટર પર ‘ટેકડાઉન આતિફ અસલમ સોન્ગ’ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પ્રતિબંધ છે તે છતાં ટી-સિરીઝે આતિફ અસલમના ‘કિન્ના સોના’ ગીતને રિલીઝ કર્યું હતું અને એ ગીત ટ્વિટરના ટ્રેન્ડથી લઈને યૂટ્યૂબ પર ઉપલબ્ધ થયું. ભારતીય યૂઝર્સ તેનાથી ભડકી ગયા હતા અને ટી-સિરીઝનો બહિષ્કાર કરવાની માગણી શરૂ થઈ હતી. એને પગલે રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ટી-સિરીઝને ચેતવણી આપી હતી.
ટી-સિરીઝે પાકિસ્તાની ગાયકનું ગીત પ્રદર્શિત કર્યા બાદ મનસે પાર્ટીના ચિત્રપટ શાખાના પ્રમુખ અમેય ખોપકરે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. મનસે પાર્ટીના રોષનો સામનો કરવો પડશે એવું જણાતા કંપનીએ પોતાની ભૂલ કબૂલ કરી હતી અને ભારતીયોની જાહેરમાં માફી માગી છે.
ટી-સિરીઝનો પત્ર મનસે પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. ટી-સિરીઝે લખ્યું છે કે, ‘એ ગીત અમારી પ્રમોશન ટીમના એક કર્મચારીએ ટી-સિરીઝની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કર્યું હતું. એને ખબર ન હોવાથી ભૂલ થઈ ગઈ. એ બદલ અમે માફી માગીએ છીએ અને હવે પછી આ ગીત ટી-સિરીઝની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં નહીં આવે કે એને પ્રમોટ કરવામાં પણ નહીં આવે એની ખાતરી આપીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે, 2019માં જમ્મુ-કશ્મીરના પુલવામામાં પાકિસ્તાની ત્રાસવાદીએ હુમલો કર્યા બાદ રાજ ઠાકરેએ દેશની તમામ મ્યુઝિક કંપનીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે એમણે પાકિસ્તાનના એક પણ કલાકાર સાથે કામ કરવું નહીં.