મુંબઈના મલાડમાં 70 કોરોના દર્દીઓ ગાયબ થતાં સનસનાટી

મુંબઈઃ અહીંના મલાડ ઉપનગરમાંથી કોરોના વાઈરસના 70 દર્દીઓ ગાયબ થઈ ગયાના સમાચાર વહેતા થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને વહીવટીતંત્રને દોડધામ થઈ ગઈ છે.

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે તેની એક તરફ ચિંતા ત્યાં 70 દર્દીઓ લાપતા થયા હોવાના અહેવાલે મુંબઈ મહાનગરપાલિકા માટે નવી મુસીબત ઊભી કરી છે.

ગાયબ થઈ ગયેલા 70 દર્દીઓને શોધી કાઢવાનો મ્યુનિસિપલ અધિકારીઓ સમક્ષ એક નવો પડકાર છે. આ તમામ દર્દીઓ કોરોના પોઝિટીવ હતા. તેઓ મુંબઈના P વોર્ડમાંથી ગાયબ થયા છે. આ વોર્ડમાં મલાડના અનેક વિસ્તારો આવે છે.

મલાડ ઉપનગર કોરોનાવાઈરસ માટે નવો સ્પોટ જાહેર કરાયું છે. ગાયબ દર્દીઓને શોધી કાઢવા માટે મ્યુનિસિપલ તંત્રએ પોલીસની મદદ માગી છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ આ દર્દીઓના ટેલીફોન નંબર, રહેઠાણનું સરનામું, આધાર કાર્ડ નંબર જેવી વિગતો પોલીસને સુપરત કરી છે.

આ દર્દીઓ જો એક વાર મળી જાય તો એમને ફરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

મલાડના MLA કેબિનેટ પ્રધાને કબૂલ કર્યું

સત્તાવાળાઓ એ દર્દીઓના ફોનના IMEI નંબરો પરથી એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ ગુનાની તપાસ વખતે પોલીસો આ જ ટેકનિક ઉપયોગમાં લેતા હોય છે. આ પ્રક્રિયામાં અમુક દિવસો લાગી શકે છે.

એવી પણ શંકા છે કે આમાંના અમુક દર્દીઓ કદાચ શહેર છોડીને ચાલ્યા ગયા હશે. કેટલાકે એમના ફોન સ્વિચ-ઓફ્ફ કરી દીધા હશે. એવી પણ શક્યતા છે કે અમુક દર્દીઓ સ્વાસ્થ્યને કારણે મૃત્યુ પણ પામ્યા હોય.

દરમિયાન, મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને ગાર્ડિયન (પાલક) પ્રધાન અસલમ શેખે 70 કોરોના દર્દીઓ લાપતા થયાની વાતને કબૂલ કરી છે. એમણે કહ્યું કે અમે કેટલાક દર્દીઓને શોધી શક્યા નથી. કદાચ એવું બને કે એ દર્દીઓના ફોન નંબર નોંધવામાં કે એમના સરનામા નોંધવામાં કોઈક ભૂલ રહી ગઈ હોય. એવું પણ બની શકે કે એમાંના કેટલાક માઈગ્રન્ટ કામદારો હશે જેઓ સારવાર લીધા બાદ જતા રહ્યા હશે.
અસલમ શેખ કોંગ્રેસના નેતા છે અને મલાડ (વેસ્ટ)ના વિધાનસભ્ય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]