મુંબઈઃ એક અસાધારણ બનાવમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ્યમાં મંદિરો ફરી ખુલ્લા મૂકવાના મામલે અણછાજતું પત્ર-યુદ્ધ જામ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે ગઈ 23 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને પગલે રાજ્યમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિત ધાર્મિક સ્થાનોને બંધ રાખવામાં આવ્યા છે. રાજ્યપાલ કોશ્યારીએ પત્ર લખીને ઠાકરેને સવાલ કર્યો છે કે, તમે તો હિન્દુત્વના પ્રખર હિમાયતી છો, તો આમ બિનસાંપ્રદાયિક કેમ બની ગયા? આ શબ્દ સામે તમને જ ભૂતકાળમાં ચીડ હતી.
કોશ્યારીએ એવો પણ નિર્દેશ કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ અયોધ્યાની મુલાકાત લઈને ભગવાન રામ પ્રતિ એમની ભક્તિનું જાહેરમાં પ્રદર્શન કર્યું હતું અને બાદમાં ગઈ 1 જુલાઈએ પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલ અને માતા રૂકમિણીનાં મંદિરમાં જઈને પૂજા પણ કરી હતી.
કોશ્યારીને આ પત્રનો કડક રીતે જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યપાલે હિન્દુત્વ વિશે જે ઉલ્લેખ કર્યો છે એ તદ્દન સાચો છે. તે છતાં મારે હિન્દુત્વ વિશે કોઈની પાસેથી સર્ટિફિકેટની જરૂર નથી, કે મારે એ કોઈની પાસેથી શીખવાની પણ જરૂર નથી. જે લોકો મારા રાજ્ય અને એના પાટનગર (મુંબઈ)ને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર સાથે સરખાવે એમને ઉષ્માભર્યો આવકાર આપે એ લોકો મારા હિન્દુત્વમાં બંધબેસતા નથી.
ઠાકરેના બિનસાંપ્રદાયિક પ્રમાણપત્ર અંગે રાજ્યપાલે કરેલી કમેન્ટ્સનો વળતો જવાબ આપતા શિવસેના પ્રમુખ ઠાકરેએ એમને જ સવાલ પૂછ્યો છે કે, તમે શું એમ કહેવા માગો છો કે માત્ર મંદિરોના ઉદઘાટન કરવા એ જ હિન્દુત્વ છે અને એમને બંધ રાખવા એ બિનસાંપ્રદાયિકતા છે? તમે ગવર્નર તરીકે બંધારણના નામે શપથ ગ્રહણ કર્યા હતા અને એ જ બંધારણનો પાયાનો સિદ્ધાંત બિનસાંપ્રદાયિકતા છે, એ શું તમે કબૂલતા નથી?
કોશ્યારીએ એમના પત્રમાં ઠાકરેની ટીકા કરતા એમ જણાવ્યું છે કે, તમે 1 જૂને એમ કહેલું કે તમે લોકડાઉનને કચરાપેટીમાં ફેંકી દઈશું, પણ ચાર મહિના પછી તમે જ ધાર્મિક સ્થળોને ફરી ખુલ્લા મૂકવા પરના પ્રતિબંધને લંબાવ્યો છે.
આના જવાબમાં ઠાકરેએ કહ્યું કે, અમારી (મહાવિકાસ આઘાડી) સરકારનું પ્રથમ કર્તવ્ય લોકોના જાનનું રક્ષણ કરવાનું છે. જેમ લોકડાઉન અચાનક લાગુ કરી દેવાનું પગલું ખોટું હતું, તેમ લોકડાઉનને અચાનક હટાવી લેવું એ યોગ્ય ન કહેવાય, એમ કરવાથી કોરોના વાઈરસના ફેલાવાને છૂટો દોર મળી જાય.