ભડકાઉ ટિપ્પણીઃ અર્ણબ ગોસ્વામીને મુંબઈ પોલીસની નોટિસ

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના એક ગામમાં તાજેતરમાં બે સાધુના મોતના સંબંધમાં કોમી તંગદિલી ઊભી કરવાનો રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી પર આરોપ મૂકાયો છે. ગયા એપ્રિલ મહિનામાં કોરોના લોકડાઉન લાગુ હતું ત્યારે મુંબઈમાં બાન્દ્રા રેલવે સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોના ટોળાની ઘટના માટે પણ ગોસ્વામીને આરોપી ગણવામાં આવ્યા છે. ઊંચા ટીઆરપી રેટિંગ્સ મેળવીને જાહેરખબરોમાંથી મોટી રકમની કમાણી કરવા માટે ગેરરીતિ આચરવાનો પણ રિપબ્લિક ટીવી પર આરોપ છે.

મુંબઈ પોલીસે ગોસ્વામીને કારણદર્શક નોટિસ મોકલી છે અને એમને જણાવ્યું છે કે 16 ઓક્ટોબરે એમણે વરલી પોલીસ સ્ટેશનના એડિશનલ કમિશનર સમક્ષ હાજર થવું.

સૂત્રોનું કહેવું છે કે પોતે ભડકાઉ ટિપ્પણીઓ, નિવેદનો નહીં કરે અને એવી સામગ્રી ટીવી ચેનલ પર પ્રસારિત નહીં કરે એવા એક બોન્ડ પર સહી કરવાનું એમને જણાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાંથી કેટલાક આંચકાજનક વિડિયો વિઝ્યુઅલ્સ જોવા મળ્યા હતા જેમાં હાથમાં લાઠીઓ અને પથ્થર સાથે સજ્જ થયેલા લોકોનું એક બેકાબૂ ટોળું બે સાધુ અને એમના ડ્રાઈવરને બચાવવાનો પ્રયત્ન કરતા પોલીસ અધિકારીઓ પર હુમલો કરે છે. ત્યારબાદ બંને સાધુ અને ડ્રાઈવરનું મારપીટ વડે મોત નિપજાવવામાં આવે છે.

ગઈ 21 એપ્રિલે ગોસ્વામીએ તે બનાવ અંગે ‘પૂછતા હૈ ભારત’ નામે ટોક-શો કર્યો હતો જેમાં એમણે એવો સવાલ પૂછ્યો હતો કે શું હિન્દુ બનવું અને કેસરી પહેરવેશ ધારણ કરવો એ ગુનો છે? ભોગ બનેલાઓ જો બિન-હિન્દુઓ હોત તો શું લોકો શાંત બેસી રહેત? ગોસ્વામીની આ જ ટિપ્પણીઓ સામે મુંબઈ પોલીસે વાંધો ઉઠાવ્યો છે અને એમને નોટિસ ફટકારી છે.

તે ટીવી કાર્યક્રમ પ્રદર્શિત કરાયા બાદ ગોસ્વામી સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 153 (રમખાણ ફાટી નીકળે એવી ઉશ્કેરણી ઊભી કરવી) અને 153-A (ધર્મના આધારે જુદા જુદા જૂથ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું) તથા અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

બાન્દ્રામાં બનેલી ઘટનામાં, એપ્રિલમાં કોરોના-લોકડાઉનની મુદત લંબાવાઈ તેની સામે વિરોધ કરવા હજારો પરપ્રાંતિય મજૂરો-કામદારો સ્ટેશનની બહાર ભેગા થયા હતા. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી કોઈએ બહાર નીકળવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સ નિયમનું પાલન કરવું એવી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી હોવા છતાં હજારો કામદારો ટોળા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પોલીસે બાદમાં એ તમામને વિખેરી નાખ્યા હતા અને કહ્યું હતું કે લોકડાઉન લાગુ હતું એટલે જ રમખાણો ટાળી શકાયા હતા.

દરમિયાન, રિપબ્લિક ટીવીએ મહારાષ્ટ્ર સરકાર પર આરોપ મૂક્યો છે કે પાલઘરમાં સાધુઓની હત્યાના કેસ વિશે ગોસ્વામીએ ટીવી પર રજૂ કરેલા કવરેજ બદલ એમની પજવણી કરવા મુંબઈ પોલીસે એમને કારણ-દર્શક નોટિસ મોકલી છે.

રિપબ્લિક ટીવીએ એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસની નોટિસ ગેરકાયદેસર છે, કારણ કે સુપ્રીમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટે ગોસ્વામી સામે કોઈ પણ પગલું ભરવાની મનાઈ ફરમાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]