મુંબઈમાં ૧૯ ઓક્ટોબરથી મેટ્રો રેલવે ફરી શરૂ થશે

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે ઘાટકોપર-વર્સોવા મેટ્રો રેલવે લાઈન આવતીકાલથી ફરી શરૂ કરી શકાશે. આ સેવા જોકે રાજ્ય સરકારની નવી ‘મિશન બીગિન અગેન’ માર્ગદર્શિકા અનુસાર તબક્કાવાર શરૂ કરાશે. મુંબઈ મેટ્રોએ આ માટે મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો છે અને એક ટ્વીટમાં જણાવ્યું છે કે એણે સુરક્ષાની ચકાસણીઓ અને ટ્રાયલ રનની શરૂઆત કરી જ દીધી છે અને પેસેન્જર સેવાઓ ૧૯ ઓક્ટોબરે સવારે ૮.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

મેટ્રો ટ્રેન સેવા અને પશ્ચિમ-મધ્ય-હાર્બરની લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની શહેરના રહેવાસીઓ દ્વારા ઘણા વખતથી માગણી કરવામાં આવી રહી છે. સરકારે હાલ મેટ્રો રેલવે માટે પરવાનગી આપી છે.

રાજ્ય સરકારે મુંબઈમાં ગયા મહિનાથી ખાનગી ઓફિસોને 30 ટકા કર્મચારીઓ સાથે ચાલુ કરવાની પરવાનગી આપ્યા બાદ મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાનું એની પર ખૂબ દબાણ થાય છે.

રાજ્ય સરકારે તમામ રાજ્ય સરકાર સંચાલિત તથા ખાનગી લાઈબ્રેરીઓને પણ આવતીકાલથી ફરી શરૂ કરવાની પરવાનગી આપી છે. જોકે આ માટે સરકારે ઈસ્યૂ કરેલી તમામ કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

સરકારે કન્ટેનમેન્ટ ઝોન્સની બહાર આવતીકાલથી વ્યાપારી ધોરણે પ્રદર્શનો યોજવાની પણ મંજૂરી આપી છે. કન્ટેનમેન્ટ ઝોન્સની બહાર સાપ્તાહિક બજારો ભરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

લોકોની ભીડને ટાળવાના ઉદ્દેશ્ય સાથે બજારો અને દુકાનોને આવતીકાલથી રાતે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી રહેશે.