ઓસ્કરવિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયા (91)નું નિધન

મુંબઈઃ જાણીતાં કોસ્ચ્યુમ ડિઝાઈનર અને ભારતનાં પ્રથમ ઓસ્કર એવોર્ડ વિજેતા ભાનુ અથૈયાનું આજે વહેલી સવારે અહીં એમનાં નિવાસસ્થાને નિધન થયું હતું. એ 91 વર્ષનાં હતાં.

લાંબી માંદગી બાદ ભાનુ અથૈયાનું નિધન થયાના સમાચાર એમનાં પુત્રી રાધિકા ગુપ્તાએ આપ્યાં છે. ગાઢ નિંદરમાં જ એમણે આખરી શ્વાસ લીધો હતો, એમનાં અંતિમ સંસ્કાર દક્ષિણ મુંબઈમાં ચંદનવાડી સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા, એમ રાધિકા ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે.

1983માં આવેલી ‘ગાંધી’ ફિલ્મમાં કરેલી કામગીરી બદલ ભાનુમતી અથૈયાને ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાધિકા ગુપ્તાએ કહ્યું કે, આઠ વર્ષ પહેલાં એમનાં માતાને બ્રેન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી એ પથારીવશ હતાં. એમનાં શરીરનો એક ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો.

ભાનુમતી અથૈયાનો જન્મ કોલ્હાપુરમાં થયો હતો. એમણે 1956માં ગુરુ દત્તની સુપરહિટ નિવડેલી હિન્દી ફિલ્મ ‘સી.આઈ.ડી.’માં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરીને પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.

રિચર્ડ એટેનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટે ભાનુ અથૈયા તથા જોન મોલોને એકેડેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એવોર્ડ ટ્રોફીની જાળવણી થાય એટલા માટે અથૈયાએ 2012માં એ ટ્રોફી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસને પરત કરી હતી.

પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં ભાનુ અથૈયાએ 100થી વધારે ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું. એમને બે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યા હતા. ગુલઝારની ફિલ્મ ‘લેકિન’ (1990) અને આશુતોષ ગોવારીકરની ‘લગાન’ (2001) ફિલ્મ માટે.