મુંબઈ : મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના વિભાગે જાણીતા રંગભૂમિ તથા ફિલ્મ અભિનેતા સ્વ. ડો. શ્રીરામ લાગુની સ્મૃતિમાં ‘નટસમ્રાટ શ્રીરામ લાગુ’ એવોર્ડની સ્થાપનાની જાહેરાત કરી છે.
આ એવોર્ડ મરાઠી રંગભૂમિમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવશે.
મહારાષ્ટ્રનો સાંસ્કૃતિક વિભાગ સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન કરવા બદલ દર વર્ષે જુદી જુદી 12 કેટેગરીઓમાં 12 એવોર્ડ એનાયત કરે છે.
ડો. શ્રીરામ લાગુની યાદમાં એવોર્ડની સ્થાપના કરવાનો મહારાષ્ટ્ર સરકારે 2020ની 27 ફેબ્રુઆરીએ નિર્ણય લીધો હતો.
શ્રીરામ લાગુ 92 વર્ષની વયે પુણેમાં એક ખાનગી હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા. તેઓ કાન, નાક અને ગળાના સર્જન-ડોક્ટર પણ હતા.
લાગુએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ દિગ્દર્શક પણ હતા અને રંગભૂમિના અદાકાર પણ હતા.
એમણે 20થી વધારે મરાઠી નાટકોનું દિગ્દર્શન કર્યું હતું.
શ્રીરામ લાગુ 1927ની 16 નવેંબરે એ વખતના બ્રિટિશ ઈન્ડિયાના બોમ્બે પ્રેસિડેન્સીના સતારા શહેરમાં જન્મ્યા હતા. તેઓ ઘરોંદા (1977), સ્વયંવર (1980) અને ગાંધી (1982) જેવી હિન્દી ફિલ્મોમાં કરેલી ભૂમિકા માટે જાણીતા છે. ‘કિશન કનૈયા’ ફિલ્મમાં એમણે અનિલ કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી.