કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો; ખેડૂતો ખુશ, કાંદાના ભાવ ઘટશે

મુંબઈ : કાંદાની ખેતી કરનાર ખેડૂતોમાં આજે એવા સમાચારને પગલે આનંદ છવાઈ ગયો છે કે સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

કેન્દ્ર સરકારના આ મોટા નિર્ણયની જાણકારી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે એક ટ્વીટ દ્વારા આપી છે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોની આવક વધશે, એમ પણ ગોયલે કહ્યું છે.

કાંદાની નિકાસ પર સરકારે છ મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. એ હવે ઉઠાવી લેવાયો છે. આને કારણે કાંદાના ભાવ ઘટવાની શક્યતા છે. કારણ કે રવિ મોસમમાં પણ કાંદાનું ઉત્પાદન પણ બમ્પર થયું છે.

કાંદાનું સૌથી વધારે ઉત્પાદન જ્યાં થાય છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં છ મહિના પહેલાં કમોસમી વરસાદ પડતાં કાંદાની ખેતીને વ્યાપક રીતે નુકસાન થયું હતું. એને કારણે કાંદાની તંગી ઊભી થઈ હતી પરિણામે કાંદાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. એને પગલે સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

હાલ કાંદાના ભાવ સ્થિર થઈ ગયા છે અને કાંદાનો રવિ પાક પણ બમ્પર થયો છે. માર્ચમાં 40 લાખ મેટ્રિક ટન કાંદાની માસિક કાપણી લણણી થવાની ધારણા છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં 28.4 લાખ મેટ્રિક ટન થઈ હતી.

કાંદાની સપ્લાય અને ડીમાન્ડમાં અસંતુલન ઊભું થવાને કારણે કાંદાના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરિણામે સરકારે 2019ના સપ્ટેંબરમાં કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થતાં અને પૂર આવતાં ખરીફ પાકની મોસમ બગડી ગઈ હતી અને કાંદાની અછત ઊભી થઈ હતી.

હાલ રવિ (શિયાળુ) પાકના કાંદા આવવાનું શરૂ થઈ ગયું છે અને માર્ચના મધ્ય ભાગથી એની સપ્લાય વધશે. પરિણામે કાંદાના ભાવ ઘટી જશે.

મહારાષ્ટ્રના ખેડૂતોએ કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરી હતી અને એ લડાઈમાં આખરે તેઓ જીતી ગયા છે. હવે 15 માર્ચથી નિકાસ શરૂ કરી શકાશે.