સહકારી, ખાનગી બેન્કોના 10% સ્ટાફને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાઈ

મુંબઈઃ ભારતીય રેલવેએ મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવાની સહકારી તથા ખાનગી ક્ષેત્રની બેન્કોના પસંદગીના 10 ટકા કર્મચારીઓને પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી ચૂકી છે.

આ જાણકારી રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ દ્વારા આપી છે.

કોરોના વાઈરસ ચેપી બીમારીના ફેલાવાને કારણે હાલ મુંબઈની લોકલ ટ્રેનોમાં સામાન્ય લોકોને પ્રવાસ કરવા દેવાતો નથી. માત્ર સરકારી કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓમાં સંકળાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારની વિનંતીને પગલે રેલવે મંત્રાલયે સહકારી તથા ખાનગી ક્ષેત્રની બેન્કોના કુલ સ્ટાફના 10 ટકા ભાગના કર્મચારીઓને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. પશ્ચિમ અને મધ્ય રેલવેએ એક સંયુક્ત અખબારી યાદી દ્વારા આમ જણાવ્યું છે.

રેલવે ગયા જૂનના મધ્ય ભાગથી આવશ્યક તથા ઈમરજન્સી ટ્રેન સેવા ચલાવી રહી છે.

પસંદગીના 10 ટકા સ્ટાફ સભ્યોએ રાજ્ય સરકાર પાસેથી QR ID કોડ્સ મેળવવા જરૂરી રહેશે. ત્યાં સુધી જેમની પાસે કાયદેસર આઈડેન્ટિટી કાર્ડ હોય એને સાથે રાખીને ટિકિટ ખરીદીને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.

રેલવે મંત્રાલયે તાજેતરમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને રીપેર સ્ટાફને પણ મુંબઈમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી.

રેલવેએ આ તમામ પેસેન્જરોને મોઢા પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી છે.