નકલી ખાદી ઉત્પાદનો વેચતી 160 વેબ લિન્ક્સને દૂર કરાવાઈ

મુંબઈઃ ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC – ખાદી ગ્રામોદ્યોગ આયોગ)એ ઈ-કોમર્સ પોર્ટલ્સ – એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ તથા અન્યોને જણાવી દીધું છે કે તેઓ ‘ખાદી’ બ્રાન્ડ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચતી 160 વેબ લિન્ક્સને દૂર કરી દે.

ખાદી ગ્રામોદ્યોગ આયોગ કેન્દ્રના માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગસાહસોના મંત્રાલય હેઠળ એક કાનૂની નિગમ (કોર્પોરેશન) છે અને ‘ખાદી ભારત’ બ્રાન્ડનું મૂળ માલિક છે.

ખાદી ઉત્પાદનોની લોકપ્રિયતા વધવાથી ‘ખાદી ઈન્ડિયા’ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો વેચતી અનેક કંપનીઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે.

ખાદી ગ્રામોદ્યોગ આયોગે ‘ખાદી ઈન્ડિયા’ નામનો ઉપયોગ કરીને એમના ઉત્પાદનો વેચતી 1000થી વધારે કંપનીઓને કાનૂની નોટિસ ફટકારી છે. પંચનું કહેવું છે કે આમ કરીને આ કંપનીઓ ખાદી ગ્રામોદ્યોગ પંચની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે અને ખાદી કારીગરોના રોજગાર છીનવે છે.

KVIC દ્વારા લીગલ નોટિસ અપાયા પછી ખાદી ગ્લોબલ કંપનીએ તેની વેબસાઈટનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે અને તેણે ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના સોશિયલ મિડિયા પેજીસ પણ હટાવી દીધા છે. ખાદી બ્રાન્ડનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદનો અને સામગ્રીઓ હટાવી લેવા માટે એણે 10-દિવસનો સમય માગ્યો હતો.

KVICના કડક પગલાને કારણે દેશભરમાં નકલી ખાદી પ્રોડક્ટ્સ વેચતા અસંખ્ય સ્ટોર બંધ થઈ ગયા છે.

KVIC દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઈ-કોમર્સ પોર્ટલ્સ ખાદી બ્રાન્ડ નામ હેઠળ ખાદી માસ્ક, હર્બલ સાબુ, શેમ્પ, કોસ્મેટિક્સ, હર્બલ મહેંદી, જેકેટ્સ, કુર્તા તથા બીજી ચીજવસ્તુઓ જુદા જુદા વેચાણકારો મારફત વેચતી હતી. આને કારણે ઓનલાઈન ખરીદારોમાં એવી છાપ ઊભી થઈ હતી કે આ પ્રોડક્ટ્સ અને ચીજવસ્તુઓ અસ્સલ ખાદી ઉત્પાદનો છે.

KVICના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ કહ્યું છે કે KVICએ ભંગકર્તા લોકોને વિકલ્પ આપ્યો છે કે કાં તો ખાદી નામે ઉત્પાદનો વેચવાનું બંધ કરો અથવા કાનૂની પગલા માટે તૈયાર રહો.