શ્રીરામે રાવણને હરાવ્યો તેમ આપણે કોરોનાને હરાવીશું: બોરીસ જોન્સન

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતીયોને દિવાળી તહેવારની શુભકામના આપવા સાથે એક નોંધનીય સરખામણી કરી છે. એમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે જેમ ભગવાન શ્રીરામે રાવણને હરાવ્યો હતો તેમ આપણે આ દિવાળીમાં નોવેલ કોરોના વાઈરસ રોગચાળાને હરાવીશું.

અત્રે આયોજિત ‘આઈગ્લોબલ દિવાલી ફેસ્ટ 2020’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને અક્સબ્રિજ અને સાઉથ રાઈસ્લિપના સંસદસભ્ય જોન્સને કહ્યું હતું કે, ‘નિઃશંકપણે આપણી સમક્ષ મોટા પડકારો છે. મને બ્રિટનભરમાં લોકોના સંકલ્પ અને સમજદારીમાં પૂરો વિશ્વાસ છે કે આપણે સાથે મળીને આ વાઈરસને પરાસ્ત કરીશું – જે રીતે દિવાળીનો તહેવાર આપણને શીખવે છે કે અંધકાર ઉપર પ્રકાશ, પાપ ઉપર પુણ્ય, અજ્ઞાનતા ઉપર જ્ઞાન વિજય હાંસલ કરે છે. જે રીતે ભગવાન રામ અને એમના પત્ની સીતા રાક્ષસ રાજા રાવણને હરાવ્યા બાદ એમના નિવાસે પાછાં ફર્યાં હતાં અને લાખો લોકોએ ઝગમગતા દીવડા પ્રગટાવ્યા હતા, એવી જ રીતે, આપણે પણ આ સંકટમાંથી પાર ઉતરીશું અને વિજયીને રહીશું.’

જોન્સન એ વાતે સહમત થયા હતા કે આ વર્ષે લોકડાઉન નિયંત્રણોને કારણે ઉત્સવોની ઉજવણી કરવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. ‘દિવાળીનો તહેવાર સુરક્ષિત બની રહે એ માટે બલિદાન આપવા બદલ અને પ્રયાસો કરવા બદલ બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયના લોકોની વડા પ્રધાન જોન્સને સરાહના કરી છે. એમણે કહ્યું કે, હું જાણું છું કે દૂર રહીને દિવાળીનો તહેવાર ઉજવવાનું તમારા માટે આસાન નહીં હોય, કારણ કે આ તહેવાર એટલે પરિવારજનો સાથે ભેગા મળવાનો કે મિત્રોની મુલાકાતે જવાનો કે એમની સાથે દિવાળીના આનંદની વહેંચણી કરવાનો હોય છે અને હા – સમોસા અને ગુલાબજાંબુ ખાવાની મજાનો પણ ખરો જ,’ એમ તેમણે વધુમાં કહ્યું હતું.

પોતાના સંબોધનમાં જોન્સને વિનંતી કરી હતી કે બ્રિટનમાં બીજા કોરોના લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરવામાં દરેક જણ મદદ કરે.

બ્રિટનમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ગયા અઠવાડિયાના આરંભમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

જોન્સને અમેરિકામાં પ્રમુખપદ ચૂંટણીમાં વિજય હાંસલ કરનાર જૉ બાઈડન તથા ઉપપ્રમુખ બનનાર કમલા હેરિસને શુભેચ્છા આપી છે અને કહ્યું કે એમને આશા છે કે પર્યાવરણ પરિવર્તન સમસ્યાથી લઈને વ્યાપાર અને સુરક્ષાના ક્ષેત્રમાં બાઈડન અને હેરિસ સાથે પોતે મળીને કામ કરશે.

કમલા હેરિસ ભારતીય મૂળનાં છે અને અમેરિકામાં ઉપપ્રમુખ બનનાર પ્રથમ મહિલા, પ્રથમ ભારતીય મૂળનાં વ્યક્તિ અને પ્રથમ અશ્વેત નાગરિક છે.