ચૂંટણીમાં જીત બદલ બાઈડનને મોદીએ અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ‘દર્શનીય વિજય’ હાંસલ કરવા બદલ જૉ બાઈડનને અભિનંદન આપ્યા છે અને અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનનાર ભારતીય મૂળનાં કમલા હેરિસની સફળતાને મોદીએ ‘પથ-પ્રદર્શક’ તરીકે ઓળખાવી છે.

વડા પ્રધાન મોદીએ બે ટ્વીટ કરીને બાઈડન અને કમલા હેરિસની સફળતાને બિરદાવી છે.

મોદીએ એક ટ્વીટમાં લખ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ફરી સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.

વડા પ્રધાન મોદીએ એમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, જૉ બાઈડન આપના દર્શનીય વિજય બદલ આપને અભિનંદન. ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા માટે ઉપપ્રમુખ તરીકે પણ તમે જે યોગદાન આપ્યું હતું એ મહત્ત્વનું અને અમૂલ્ય હતું. ભારત અને અમેરિકાના સંબંધોને વધારે ઊંચાઈએ લઈ જવા માટે ફરી વાર સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું.

પેન્સિલ્વેનિયા રાજ્યના 20 ઈલેક્ટોરલ વોટ મળી જતાં બાઈડનનો રાજ્યવાર કુલ ઈલેક્ટોરલ કોલેજ વોટનો આંકડો 273 થયો છે. પ્રમુખ બનવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટ મેળવવા પડે. આમ, બાઈડને એનાથી વધારે હાંસલ કરી લીધા છે. વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફાળે 214 વોટ આવ્યા છે. આ પરાજયને કારણે ટ્રમ્પ સતત બીજી મુદત હાંસલ કરી શક્યા નથી.

78 વર્ષના બાઈડન 2021ની 20 જાન્યુઆરીએ સત્તા સંભાળશે. અમેરિકામાં આટલી મોટી ઉંમરે પ્રમુખ બનનાર બાઈડન પહેલા હશે. આ પહેલાં, એમના પુરોગામી અને વર્તમાન પ્રમુખ ટ્રમ્પ 2017માં પ્રમુખ બન્યા હતા ત્યારે 70 વર્ષના હતા.

બાઈડન અમેરિકાના 46મા પ્રમુખ બનશે.

વડા પ્રધાન મોદીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદનાં ઉમેદવાર કમલા હેરિસને પણ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. એમણે લખ્યું છે, કમલા હેરિસ, હૃદયપૂર્વકના અભિનંદન. તમારી સફળતા પથ-પ્રદર્શક છે. આ જીત તમામ ભારતીય-અમેરિકનો માટે મોટા ગર્વની વાત છે. મને વિશ્વાસ છે કે તમારા સમર્થનમાં અને નેતૃત્ત્વથી ભારત-અમેરિકા સંબંધ વધારે મજબૂત અને જીવંત બની જશે.

કમલા હેરિસ અમેરિકાનાં પહેલા ભારતીય મૂળનાં, પહેલા મહિલા અને પહેલા અશ્વેત ઉપપ્રમુખ બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]