કંગના રણોત આવી અર્ણબ ગોસ્વામીના બચાવમાં…

મનાલી (હિમાચલ પ્રદેશ): રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ મામલે બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે વિડિયો નિવેદન બહાર પાડ્યું છે અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક શિવસેના પાર્ટીની આકરાં શબ્દોમાં ટીકા કરી છે.

કંગનાએ એવો આરોપ મૂક્યો કે રિપબ્લિક મીડિયા નેટવર્કના સંસ્થાપક અર્ણબ ગોસ્વામીએ ડ્રગ માફિયાની પોલ ખોલી નાખી હોવાથી, ‘BullyDawood’માં બાળકોની ચોરીના વ્યાપારની પોલ ખોલી નાખી હોવાથી અને સોનિયા ગાંધી (કોંગ્રેસ પ્રમુખ)ને એમનાં મૂળ નામથી બોલાવવા બદલ એમની ધરપકડ કરાઈ છે અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

કંગનાએ કહ્યું કે મોટા ભાગના લોકોને તો એ વાતની ખબર પણ નથી કે આ વરિષ્ઠ પત્રકારને કયા કારણસર જેલમાં બંધ કરવામાં આવ્યા છે.

કંગનાએ લોકોને સમજાવતાં કહ્યું કે 2018માં એક શખ્સે આત્મહત્યા કરી હતી અને એણે પોતાની સુસાઈડ નોટમાં અમુક લોકોના નામ લક્યા હતા, જેમાંનું એક નામ અર્ણબ ગોસ્વામીનું પણ હતું. તે શખ્સે સુસાઈડ નોટમાં એવો દાવો કર્યો હતો કે ગોસ્વામીએ પોતાને પૈસા નથી આપ્યા. બીજી બાજુ, રિપબ્લિક ટીમનું કહેવું છે કે એમણે પૈસા ચૂકવી દીધા હતા. એ તો ભગવાન જ નિર્ણય લઈ શકે છે કે કોઈ પૈસા ન આપે તો કોઈ આત્મહત્યા કરી શકે કે નહીં.

કંગનાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં વધુમાં જણાવ્યું છે કે જો એવું હોય તો આ આત્મહત્યા માટે મજબૂર કરવાનો મામલો છે કે નહીં. આ મામલો એવો છે કે નહીં, એ બાબતમાં જ એટલું બધું ટ્રાયલ થઈ ગયું છે કે તે પણ વિચારવા જેવી વાત છે. બધાયને ખબર છે કે અર્ણબને શા માટે જેલમાં લઈ જવામાં આવ્યા છે. એમને ‘પપ્પૂ સેના’ દ્વારા યાતના આપવામાં આવી રહી છે, કારણ કે એમણે સોનિયા ગાંધીનું ‘મૂળ નામ’ લીધું હતું.

કંગનાએ મહારાષ્ટ્ર સરકારને ફાસિસ્ટ (ફાસીવાદી) કહી અને કહ્યું કે પપ્પૂ સેનાએ આ બેવકૂફી કરીને અર્ણબ ગોસ્વામીને આજ સુધીના સૌથી લોકપ્રિય પત્રકાર બનાવી દીધા છે. એમને ખબર નહીં હોય તો તે એમને જેટલી વધારે યાતના આપશે, હેરાન કરશે એટલી એમની લોકપ્રિયતા વધતી જશે. ઈતિહાસ પપ્પૂ સેનાને એ જ રીતે યાદ રાખશે કે એણે બંધારણના ચોથા સ્તંભ સાથે આવી જબરદસ્તી કરી હતી.

ઈતિહાસ અર્ણબ ગોસ્વામીને એક હિરોના રૂપમાં યાદ રાખશે. આ લડાઈ માત્ર એમની કે અર્ણબ વચ્ચેની નથી, પણ સમગ્ર સભ્યતા અને ભારતવર્ષની લડાઈ છે, એમ પણ કંગનાએ કહ્યું.

અર્ણબ ગોસ્વામીને હાલ રાયગડ જિલ્લાના અલિબાગમાં એક ક્વોરન્ટાઈન સેન્ટરમાં અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એમણે જામીન માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેનો ચુકાદો કોર્ટ આવતીકાલે આપવાની છે.