TMCના ‘પુષ્પા’ની બંગાળ STFએ નેપાળ બોર્ડરથી કરી ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. જહાંગીર ખાનને TMCના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નજીકના સાથી તરીકે માનવામાં આવે છે. જહાંગીર ખાન ફાલ્ટા વિધાનસભા બેઠક પરથી TMCના ઉમેદવાર હતા. જોકે ચૂંટણી દરમિયાન થયેલી ગરબડીઓ બાદ ત્યાં ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું. પુનઃમતદાન દરમિયાન જહાંગીર ખાને ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી હતી. ચૂંટણી દરમિયાન જહાંગીર ખાન અને ઉત્તર પ્રદેશના જાણીતા IPS અધિકારી અજય પાલ શર્મા વચ્ચેનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

જહાંગીર ખાને અજય પાલ શર્માને પડકાર આપતાં કહ્યું હતું કે જો તમે સિંઘમ છો તો હું પુષ્પા છું, હું ઝૂકવાનો નથી.

જહાંગીર ખાન સામે અનેક આરોપો

બંગાળ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી જહાંગીર ખાન ફરાર હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આખરે આજે STFએ તેની ધરપકડ કરી હતી.  ચૂંટણી પહેલાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન જહાંગીર ખાન સામે અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. તેના પર બૂથ લેવલ ઓફિસરો (BLO)ને પ્રભાવિત કરવાનો અને મૃત વ્યક્તિઓનાં નામ મતદાર યાદીમાં ઉમેરાવવાનો આરોપ હતો.

લોકોને ધમકાવવાના પણ આરોપ

ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે પણ જહાંગીર ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ચૂંટણી પહેલાં તેના પર વિસ્તારમાં લોકોને ધમકાવવાના આરોપો પણ લાગ્યા હતા. આ આરોપોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ IPS અધિકારી અજય પાલ શર્માને વિશેષ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.

ચૂંટણી દરમિયાન ‘પુષ્પા’ જેવી છબી બનાવી

જહાંગીર ખાનને TMC સુપ્રીમો મમતા બેનરજીના ભત્રીજા અને પક્ષના પ્રભાવશાળી નેતા અભિષેક બેનર્જીના નજીકના નેતા તરીકે જોવામાં આવે છે. બંગાળના ચર્ચિત “ડાયમંડ હાર્બર મોડલ” વચ્ચે ફાલ્ટા વિસ્તારમાં જહાંગીર ખાન ખાસ ચર્ચામાં રહ્યો હતો.

“અજય પાલ શર્મા સિંઘમ તો હું પુષ્પા”

સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન જહાંગીર ખાને ફિલ્મ ‘પુષ્પા’ના દબંગ અંદાજને અપનાવ્યો હતો અને ફિલ્મનો પ્રસિદ્ધ સંવાદ “પુષ્પા ઝૂકેગા નહીં” વારંવાર બોલ્યો હતો.