TMC સાંસદ સુખેન્દુ રોયનું રાજ્યસભામાંથી રાજીનામું

નવી દિલ્હીઃ TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયએ સોમવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના સભાપતિને મોકલી આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોની તૂટફૂટ બાદ TMCને હવે સાંસદોના મામલે પણ પહેલો મોટો આંચકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદથી TMC સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પાર્ટીના 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું છે અને ઋતબ્રત બેનરજીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યો છે.

રોયનું રાજીનામું TMC માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીના અત્યંત નજીકના સહયોગી ગણાય છે. તેમણે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે મમતા બેનર્જી દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી રહ્યાં છે. તેમની સાથે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજી પણ હાજર છે.

અભિષેક બેનર્જીના વધતા પ્રભાવ સામે અસંતોષ

બીજી તરફ, બળવાખોર 58 ધારાસભ્યોનું કહેવું છે કે તેમની લડાઈ મમતા બેનર્જી વિરુદ્ધ નથી. તેમનું કહેવું છે કે તેઓ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના પાર્ટીમાં વધતા હસ્તક્ષેપ અને પ્રભાવનો વિરોધ કરી રહ્યા છે. બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે મમતા બેનર્જી તેમનાં સર્વોચ્ચ નેતા છે અને આગળ પણ રહેશે.

સંગઠનમાં ફેરફાર કર્યા હતા

ધારાસભ્યોના બળવા વચ્ચે મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલાં સંગઠનમાં મોટા પાયે ફેરફારો કર્યા હતા. તેમણે પાર્ટીમાં પોતાના વિશ્વાસુ અને અનુભવી નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી હતી. મમતાએ અભિષેક બેનર્જીને રાષ્ટ્રીય મહાસચિવના પદ પર યથાવત્ રાખ્યા હતા, પરંતુ તેમની સાથે બે સંયુક્ત રાષ્ટ્રીય સચિવોની નિમણૂક કરી હતી. આ પગલાં દ્વારા તેમણે બળવાખોર નેતાઓને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે પાર્ટીના નિર્ણયો માત્ર અભિષેક બેનર્જી નહીં, પરંતુ સામૂહિક રીતે લેવામાં આવશે.

હવે મોટો સવાલ

હવે રાજકીય વર્તુળોમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આગામી દિવસોમાં TMCના અન્ય સાંસદો પણ બળવાખોર વલણ અપનાવી શકે છે? અને જો એવું થાય તો મમતા બેનરજી આ મુશ્કેલ રાજકીય પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે? પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ ઘટનાક્રમ આગામી દિવસોમાં વધુ રસપ્રદ બની શકે છે.