માટીને જીવંત રાખવી એ એક પેઢીગત જવાબદારી છે

સદ્‍ગુરુ: સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે સમૃદ્ધિનો અર્થ તેલ, સોનું અથવા હીરા પાછળ દોટ મૂકવી. પરંતુ જો તમે ઇચ્છતા હોવ કે આવનારી પેઢી સમૃદ્ધ જીવન જીવે, શેરબજાર અથવા તેમના બેંક બેલેન્સના સંદર્ભમાં નહીં, પરંતુ તેમની અંદર ધબકતા જીવનની દૃષ્ટિએ તો જે ખરેખર મહત્વનું છે તે છે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક. આ બધું શક્ય બનવા માટે જમીનમાં શક્તિ હોવી જરૂરી છે.

માટી અને માનવ સુખાકારી માટે આપણી ચિંતા બે અલગ બાબતો નથી. આ બંને એક જ બાબત છે. જમીનનું ઉપરનું પડ, જે વિશ્વભરમાં સરેરાશ 39 ઇંચ જેટલું છે, તે આપણા સહિત આ ગ્રહ પરની 87 ટકા જીવસૃષ્ટિનો આધાર છે. છોડ, પક્ષીઓ, પ્રાણીઓ, જંતુઓ અને અળસિયાં — સૌ જમીનના ઉપરના પડની સમૃદ્ધિ પર નિર્ભર છે.

અત્યારે તમે જે છો તે જમીનમાં થતી જીવંત ગતિવિધિઓનું પરિણામ છે. મુઠ્ઠીભર માટીમાં પાંચથી સાત અબજ જેટલા સૂક્ષ્મજીવો હોય છે. આ સૂક્ષ્મ જીવન થકી જ આ ગ્રહ પર અન્ય તમામ જીવન વિકસિત થયું છે. તેઓ જીવનના પ્રથમ સ્વરૂપો છે અને તેમના કારણે જ આજે આપણે જીવિત છીએ.

અત્યારે પણ માટીમાં જે થઈ રહ્યું છે અને માનવ શરીરની જૈવિક પ્રણાલીમાં જે થઈ રહ્યું છે, તેમાં ઘણું સામ્ય છે. જો તમે કોષીય સ્તરે જોશો તો તમારા શરીરના લગભગ 60 ટકા ભાગમાં સૂક્ષ્મજીવોની હાજરી છે, જ્યારે માત્ર 40 ટકા ભાગ તમારા પૂર્વજો પાસેથી આનુવંશિક રીતે મળેલા કોષોનો છે. તેથી માનવજીવન અને માટી એકબીજાથી સહેજ પણ અલગ નથી. માટીની સમૃદ્ધિ અને માનવજીવનની સમૃદ્ધિ સીધી રીતે એકબીજા સાથે જોડાયેલી છે.

જીવનનું મૃત્યુ: પરંતુ છેલ્લા 50 વર્ષોમાં જમીનની અધોગતિનું સ્તર ભયજનક રીતે વધ્યું છે. ઉદાહરણ તરીકે, જીવજંતુઓની સંખ્યામાં લગભગ 80 ટકાનો ઘટાડો થયો છે. આ ખરેખર જીવનનું મૃત્યુ છે.

ઘણા શહેરી લોકો વિચારે છે, “જો જંતુઓ મરી જાય તો આપણને શું વાંધો? આમ પણ અમને જંતુઓ ગમતા નથી!” પરંતુ હકીકત એ છે કે જો આવતીકાલે બધા જ જંતુઓ નષ્ટ થઈ જાય, તો અંદાજે અઢીથી સાડા ચાર વર્ષમાં આ ગ્રહ પરનું મોટાભાગનું જીવન સમાપ્ત થઈ જશે.

જો બધા અળસિયાં મરી જાય તો માનવજાત પાસે લગભગ 18થી 30 મહિનાનો જ સમય બાકી રહેશે. અને જો બધા સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય તો જીવનની સમગ્ર વ્યવસ્થા તૂટી પડશે. વૃક્ષો ટકી શકશે નહીં, પાક ઊગશે નહીં અને જીવનચક્ર જ થંભી જશે. પરંતુ દુઃખની વાત એ છે કે દર વર્ષે સરેરાશ 27,000 જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર (United Nations) સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ પૂરતા વૈજ્ઞાનિક પુરાવા સાથે ચેતવણી આપી રહી છે કે પૃથ્વી પર માત્ર આગામી 80થી 100 પાક માટે જ ખેતીલાયક જમીન બચી છે. એટલે કે, આગામી 45થી 60 વર્ષમાં જમીનની ફળદ્રુપતા ગંભીર રીતે ખતમ થઈ શકે છે. જો આવું થશે તો વિશ્વભરમાં ખોરાકની ગંભીર કટોકટી ઊભી થશે.

પ્રથમ પગલું: જો આપણે માટીને ફરી જીવંત બનાવવી હોય તો સૌપ્રથમ એ સમજવું પડશે કે માટી કોઈ નિર્જીવ પદાર્થ નથી, પરંતુ એક જીવંત વ્યવસ્થા છે. દુર્ભાગ્યે, ઘણા કૃષિ વૈજ્ઞાનિકો, વિશ્વવિદ્યાલયો અને કૃષિ વિભાગો આજે પણ માટીને માત્ર એક પદાર્થ તરીકે જ જુએ છે. તેમનો અભિગમ એવો છે કે માટીને થોડું વધુ નાઇટ્રોજન, થોડું વધુ પોટાશિયમ કે થોડું વધુ ફોસ્ફરસ આપવાથી સમસ્યા ઉકેલાઈ જશે.

હકીકતમાં માટીને માત્ર રસાયણોની જરૂર નથી. માટીને જીવંત સજીવોની જરૂર છે. જો આપણે જૈવવૈવિધ્યને ફરી સમૃદ્ધ બનાવવું હોય તો સૌથી અગત્યની બાબત છે — સમૃદ્ધ માટી. સમૃદ્ધ માટીનો અર્થ છે જમીનમાં સતત કાર્બનિક પદાર્થોનો ઉમેરો થતો રહે. મૂળભૂત રીતે માત્ર બે જ રસ્તા છે જેના દ્વારા માટીમાં કાર્બનિક પદાર્થો પાછા ઉમેરી શકાય:

  • વનસ્પતિનો લીલો કચરો
  • પ્રાણીઓનું મળમૂત્ર

આ બંનેનું સંતુલિત પ્રમાણ જ માટીને જીવંત રાખે છે. સમય આવી ગયો છે કે આપણે માટી વિશે ગંભીરતાથી વાત કરીએ અને સુધારાત્મક પગલાં લઈએ. જો આપણે અત્યારે જ શરૂઆત કરીશું તો આગામી 15થી 25 વર્ષમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે. પરંતુ જો આપણે વધુ 25થી 50 વર્ષ રાહ જોઈશું તો સ્થિતિ સુધારવામાં 200 વર્ષ જેટલો સમય લાગી શકે છે અને એ સમયગાળો માનવજાત માટે વિનાશક સાબિત થઈ શકે છે.

માટી બચાવવા માટે વૈશ્વિક ચળવળ: આ જ કારણસર 2022માં Conscious Planet – Save Soil અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિશ્વભરની સરકારો અને નીતિનિર્માતાઓને લાંબા ગાળાની માટી પુનરુત્થાન નીતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.

લોકશાહી વ્યવસ્થામાં સંખ્યા જ સૌથી મોટી શક્તિ છે. જો મોટી સંખ્યામાં નાગરિકો એક મુદ્દા પર અવાજ ઉઠાવે તો કોઈપણ સરકાર તેને અવગણી શકતી નથી. હું ઈચ્છું છું કે તમે સૌ આ અભિયાનમાં જોડાઓ. તેને તમારું પોતાનું અભિયાન માનો અને લોકોને જાગૃત કરો કે જેના પર આપણે ઊભા છીએ અને ચાલીએ છીએ, તે માટી જ આપણા જીવનનો આધાર છે.

હકીકતમાં, જમીનના ઉપરના માત્ર 12થી 15 ઇંચના પડમાં થતી જીવંત પ્રક્રિયાઓ જ આપણા અસ્તિત્વનું મૂળ છે. આપણે આ સૂક્ષ્મજીવનનું પરિણામ છીએ, તેઓ આપણા જીવનનું પરિણામ નથી. જમીનની સંભાળ રાખવી, રણીકરણ અટકાવવું અને જમીનની ફળદ્રુપતા જાળવવી એ આપણી પેઢીની સૌથી મોટી જવાબદારી છે. જો આપણે જમીનની સમૃદ્ધિની ખાતરી નહીં કરીએ તો એક અર્થમાં આપણે જીવનનો જ ત્યાગ કરી રહ્યા છીએ.

ચાલો, માટીને બચાવીએ. કારણ કે માટી બચશે તો જ જીવન બચશે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.