લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને વિશ્વના સાત સૌથી સમૃદ્ધ દેશોના ગ્રુપ G7 (ગ્રુપ ઓફ સેવન)ના વડાઓને અપીલ કરી છે કે આવતા અઠવાડિયે આપણે બ્રિટનમાં નિર્ધારિત બેઠક માટે ભેગા થઈએ ત્યારે તેમાં એક સંકલ્પ કરીએ કે આખું વિશ્વ 2022ની સાલના અંત સુધીમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીથી સંપન્ન થઈ જાય. તમામ દેશોના પ્રત્યેક નાગરિક આ રસીથી સુરક્ષિત બની જાય. જોન્સને એક નિવેદનમાં કહ્યું છે કે આવતા વર્ષના અંત સુધીમાં આખી દુનિયાનું કોરોના-રસીકરણ થઈ જશે તો એ તબીબી ઈતિહાસમાં એક સૌથી મોટી સિદ્ધિ બનશે. હું જી-7 સમૂહમાં મારા સાથી વડાઓને અપીલ કરું છું કે આ ખતરનાક રોગચાળાનો અંત લાવવા માટે ભેગા થઈએ અને પ્રતિજ્ઞા લઈએ કે કોરોનાવાઈરસે ફેલાવેલા આવા વિનાશનું ફરી ક્યારેય પુનરાવર્તન થવા ન દઈએ.
જી-7 સમૂહના દેશોના વડાઓની બે વર્ષમાં આ પહેલી જ શિખર બેઠક યોજાશે અને તે 47મી હશે. G7માં બ્રિટન ઉપરાંત આ દેશો સભ્ય છેઃ અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને કેનેડા. G7નું શિખર સંમેલન આવતા શુક્રવાર, 11 જૂનથી બ્રિટનના કોર્નવોલમાં યોજાશે, જે ત્રણ દિવસનું હશે. અમેરિકાના પ્રમુખ બન્યા બાદ જૉ બાઈડનનો આ સૌપ્રથમ વિદેશ પ્રવાસ હશે.