પ્રિન્સ હેરી-મેગનને કન્યારત્ન પ્રાપ્ત; નામ રાખ્યું ‘લિલીબેટ-ડાયના’

સાન્તા બાર્બરા (કેલિફોર્નિયા): બ્રિટનના શાહી પરિવારના સભ્ય અને ‘ડ્યૂક ઓફ સસેક્સ’ પ્રિન્સ હેરી તથા એમના પત્ની ‘ડચેસ ઓફ સસેક્સ’ મેગન માર્કલનાં પરિવારમાં ઉમેરો થયો છે. મેગને પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ બીજું સંતાન છે. એમને એક પુત્ર છે – આર્ચી, જેનો જન્મ 2019માં થયો હતો. પ્રિન્સ હેરી અને મેગને એમની પુત્રીનું નામ હેરીના સદ્દગત માતા પ્રિન્સેસ ડાયનાનાં નામ પરથી ‘લિલીબેટ ડાયના’ રાખ્યું છે. માતા અને પુત્રી બંનેની તબિયત સારી છે.

પ્રિન્સ હેરી અને મેગન પરિવારના પ્રવક્તાએ જાણકારી આપી છે કે મેગને ગયા શુક્રવારે પુત્રીને જન્મ આપ્યો હતો. એનું નામ લિલિબેટ ‘લિલી’ ડાયના રાખ્યું છે. પુત્રીના નામનો પહેલો શબ્દ લિલિબેટ મહારાણીનું લોકપ્રિય નામ છે. મધ્ય નામ દાદી સ્વ. પ્રિન્સેસ ડાયનાનાં સમ્માનમાં રાખ્યું છે. દીકરીને તેઓ ‘લિલી ડાયના’ તરીકે ઓળખાવશે. બ્રિટનનાં રાણી એલિઝાબેથ-2નાં પ્રપૌત્ર-પ્રપૌત્રીઓમાં લિલી ડાયના 11મા નંબરે છે અને બ્રિટિશ રાજવી ગાદીમાં આઠમું સ્થાન ધરાવે છે.

પ્રિન્સ હેરી અને મેગને કહ્યું છે કે, ‘અમને અમારી અપેક્ષા કરતાં વધારે પ્રાપ્ત થયું છે અને અમે દુનિયાભરમાંથી મળેલા પ્રેમ અને પ્રાર્થના માટે આભારી છીએ.’ પ્રિન્સ હેરી અને મેગને 2020માં બ્રિટનના શાહી પરિવારને છોડી દેવાની જાહેરાત કરી હતી. ત્યારપછી તેઓ અમેરિકામાં જઈને વસ્યાં છે. તેઓ કેલિફોર્નિયા રાજ્યના સાન્તા બાર્બરા નજીક મોન્ટેસિટો નામના પોશ વિસ્તારમાં રહે છે.